સામખીયાળીમાં બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ -હત્યા કરનારને આજીવન કેદની સજા
છ વર્ષની માસુમ બાળકી સાથે બનેલી ઘટનામાં ભચાઉ પોકસો કોર્ટ ફટકારી ધાક બેસાડતી સજા
ભચાઉની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારી ગળું દબાવી તેની હત્યા કરનાર શખ્સને કોર્ટે આજીવન કેદની સજા સાથે પાંચ હજાર રૂૂપિયાનો દંડ ફટકાર્યો છે. વર્ષ 2020માં બનેલી ઘટનામાં અંતે પાંચ વર્ષ બાદ પરિવારને ન્યાય મળ્યો છે.
આ બાબતે મળતી માહિતી મુજબ ગત 26 ઓક્ટોમ્બર 2020માં બાળકીની માતાએ સામખિયાળી પોલીસ મથકે બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદીએ જણાવ્યુ હતુ કે, ફરિયાદીએ બાળકીને બપોરનાં ભાગે પાણીની ટાંકી તપાસવા માટે તેના કાકાના ઘરે મોકલી હતી. બાળકી ઘરે પરત ન આવતા તેના પરિવારજનો દ્વારા બાળકીની શોધખોળ શરૂૂ કરી હતી.જે બાદ મોડી રાત્રે બાળકીનું મૃતદેહ ગામના એક નિર્જન ઘરમાંથી મળી આવ્યું હતું. જેથી પોલીસે બનાવ અંગે ગુનો દાખલ કરી તપાસ કરતા બાળકી પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરનાર લાખાપરના 22 વર્ષીય આરોપી વિજય પ્રતાપ કોળીને પોલીસે ઝડપી પાડયો હતો.
જે બાદ પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવાઓ સાથે ચાર્જશીટ તૈયાર કરી કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવી હતી. આ કેસમાં સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ દલીલો રજૂ કરી સાક્ષીઓના નિવેદન અને દસ્તાવેજી પુરાવાઓ રજુ કરતા ભચાઉ સ્પેશિયલ પોકસો કોર્ટ દ્વારા આરોપીને દોષી જાહેર કર્યો હતો અને આરોપીને આજીવન કેદની સજા સાથે પાંચ હજાર રૂૂપિયાનું દંડ ફટકરવામાં આવ્યો હતો.