‘સસુરાલ સિમર કા’ સિરિયલ જોઈ વીમો પકવવા મિત્રને મોતને ઘાટ ઉતાર્યો
વાહન અકસ્માતે મોતની ઘટનાની તપાસમાં સુરત પોલીસે ઉકેલ્યો ખતરનાક ભેદ, દેવું ચૂકવવા 10 વર્ષ જૂના મિત્રને ટ્રક હેઠળ કચડી નાખ્યો
સુરતમાં સચિન પોલીસે એક હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આ કેસમાં શરૂૂઆતમાં મૃતક ગણાતો વ્યક્તિ જ પોતાના મિત્રનો હત્યારો નીકળ્યો હતો. મળતી જાણકારી અનુસાર, બે લાખ રૂૂપિયાનો વીમો પકવવા અને લોનના હપ્તામાંથી છૂટકારો મેળવવા માટે બે ટ્રકના માલિકે સસુરાલ સિમર કા નામની ટીવી સિરિયલ જોઈને પોતાના જ 10 વર્ષ જૂના મિત્રની હત્યા કરી નાખી હતી.
શરૂૂઆતમાં આરોપીએ પોતે જ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હોવાનું નાટક રચ્યું હતું, પરંતુ પોલીસે સીસીટીવી ફૂટેજ અને ઈઉછ (કોલ ડિટેલ રેકોર્ડ)ની મદદથી સમગ્ર ષડયંત્રનો ભાંડો ફોડી નાખ્યો હતો. પોલીસે આરોપી, તેની પત્ની અને તેને મદદ કરનાર મિત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
નોંધનીય છે કે ગત 14 જૂલાઈના રોજ સણીયાથી ખંભાસલા ગામ તરફ જતા રોડ પર એક અજાણ્યા વાહનચાલકે શિવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્રાને અડફેટે લઈ મોત નીપજાવ્યું હોવાની ઘટના બની હતી. સચિન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂૂ કરી. જોકે, ઘટનાસ્થળેથી કોઈ ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર પસાર થયા હોવાના કોઈ પુરાવા મળ્યા નહોતા. પોલીસ જ્યારે મૃતક શિવકુમારના ઘરે તેમની પત્ની મીનાદેવીને અકસ્માત મોતની જાણ કરવા પહોંચી ત્યારે તેમની પ્રતિક્રિયા શંકાસ્પદ લાગી હતી. પત્નીને પતિના મૃત્યુનો કોઈ અફસોસ નહોતો અને તે વારંવાર બે લાખ રૂૂપિયાના વીમાના રૂૂપિયા પૈસા ક્યારે મળશે તે વિશે પૂછતી હતી. આ વાતથી પોલીસને શરૂૂઆતથી જ શંકા ગઈ હતી.
પોલીસે આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરવાનું શરૂૂ કર્યું હતું. મંદિરના એક સીસીટીવી ફૂટેજમાં ટ્રક કઈ દિશામાંથી આવી હતી તેનો ટ્રેક મળ્યો હતો. અલગ-અલગ ટીમો બનાવીને રૂૂટ પરના કેમેરા ચેક કરવામાં આવ્યા. તપાસ દરમિયાન મરણ જનાર શિવકુમાર બનાવના આગલી રાત્રે પાંડેસરા, વડોદ ખાતે એક વ્યક્તિ સાથે એક્ટિવા પર દેખાયો હતો. આ ઉપરાંત કડોદરા-બારડોલી રોડ પર આવેલી સર્વોત્તમ હોટેલ પાસેના ઇન્ડિયન પેટ્રોલપંપના કેમેરામાં મૃતકની એક્ટિવા અને તેની ટ્રક શંકાસ્પદ રીતે જોવા મળી હતી. ટ્રકમાં મૃતક ડીઝલ ભરાવી એક અજાણ્યા ઇસમને ટ્રકમાં બેસાડી ત્યાંથી રવાના થયો હોવાનું સામે આવ્યું.
મૃતકની પત્નીને પૂછપરછ કરતા તેણે પતિ પાસે બે સીમ કાર્ડવાળો મોબાઈલ હોવાનું અને ટ્રકમાં જીપીએસ હોવાનું જણાવ્યું હતું. પોલીસને એક મિસિંગ સીમ નંબર પણ મળ્યો હતો. ટ્રકનું જીપીએસ લોકેશન અને મિસિંગ સીમ નંબરની કોલ ડિટેલ તપાસતા શિવકુમારની પુણે ખાતે રહેતા મિત્ર મોનુ ગૌતમ સાથે વાતચીત થયાનું સામે આવ્યું હતું. સચિન પોલીસે તાત્કાલિક એક ટીમ પુણે રવાના કરી હતી. ત્યાં જઈને તપાસ કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી કારણ કે જેને તેઓ મૃતક શીવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્રા સમજતી હતી તે જીવિત મળી આવ્યો હતો. પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું કે, દેવાના બોજ તળે દબાયેલા શિવકુમાર ટીવી સિરિયલ પસસુરાલ સિમર કાથ જોતો હતો. આ સિરિયલમાં એક પાત્ર જીવંત હોવા છતાં મૃત્યુ પામ્યાનું જાહેર કરી વીમા પોલીસીના પૈસા લીધા હતા.
આના પરથી શિવકુમારે પોતાની બે લાખ રૂૂપિયાની એલઆઇસીની વીમા પોલીસીના પૈસા પકવવા અને ઈએમઆઈ ભરવામાંથી છૂટવા માટે આ કાવતરું રચ્યું હતું. તેણે પોતાના 10 વર્ષ જૂના મિત્ર દેવીપ્રસાદ શિવપ્રસાદ પાલ, જે સુરતમાં એકલો રહેતો હતો અને જેના કોઈ સગા-સંબંધી નહોતા તેને નિશાન બનાવ્યો હતો. 10 જૂલાઈના રોજ સિરિયલ જોઈને તેણે આ પ્લાનિંગ કર્યું અને 14 જુલાઈના રોજ દેવીપ્રસાદને દારૂૂ પીવડાવ્યો હતો. ત્યારબાદ તેને ગામ નજીક સૂમસામ જગ્યાએ લઈ જઈને ટ્રકની નીચે સુવડાવી દીધો હતો અને પાછળનું ટાયર તેના ચહેરા પરથી ફેરવી દીધું હતુ જેથી તેની ઓળખ ન થાય.પોલીસે શિવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્રા, તેની પત્ની મીનાદેવી શીવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્રા અને તેને મદદ કરનાર મિત્ર મોનુ ચેન્દ્રબલી ગૌતમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.