શિવનગરનો શખ્સ તમંચા સાથે ઝડપાયો, સ્વબચાવ માટે પાસે રાખ્યાની કબૂલાત
રૈયા રોડ પર હનુમાન મઢી પાસે આવેલા છોટુનગર કોમ્યુનિટી હોલ પાસેથી એસ.ઓ.જીની ટીમ નામચીન શખસને દેશી બનાવટના તમંચા અને કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો. આરોપીની પુછતાછ કરતા તેને કેટલાક શખસો સાથે માથાકૂટ ચાલતી હોય જેથી હથિયાર સાથે રાખ્યું હોવાનું કહ્યું હતું. આ હથિયાર તેને યુપીની મહિલાએ આપ્યું હોવાની કબુલાત આપતા પોલીસે આ મહિલાને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એમ.બી.માજીરાણા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ ફિરોજભાઈ રાઠોડ, દિગ્વિજયસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે છોટુનગર કોમ્યુનિટી હોલની સામે લીમડાના ઝાડ નીચે જાહેર રોડ પરથી ઈસ્માઈલ બસીરભાઇ અલાણા (ઉ.વ 33 રહે. છોટુનગર કોમ્યુનિટી હોલની સામે, શિવપરા શેરી નંબર-3) ને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો.
પોલીસે આ શખ્સની અંગજડતી લેતા તેની પાસેથી દેશી બનાવટનો તમંચો તથા ત્રણ જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા જેથી પોલીસે રૂૂપિયા 5000 ની કિંમતનો તમંચો અને કાર્ટીસ કબજે કરી આ શખસ વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટની કલમ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.મળતી વિગતો મુજબ આરોપી ઈસ્માઈલ અલાના અગાઉ રાયોટ અને જાહેરનામા ભંગના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે આરોપી હાલ શિવપરામાં વેલ્ડીંગની દુકાન ચલાવે છે. હથિયાર બાબતે તેની પૂછતાછ કરતા તેને કેટલાક શખસો સાથે માથાકૂટ ચાલતી હોવાથી આ હથિયાર સ્વ બચાવ માટે રાખ્યાનું રટણ કર્યું હતું. તેમજ આ હથિયાર તેને હાલ હનુમાન મઢી આસપાસના વિસ્તારમાં રહેતી મૂળ યુપીની મહિલા પાસેથી ખરીદયાની કબુલાત આપતા પોલીસે આ મહિલાને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.