ગોકુલનગરમાંથી 2.55 લાખનો દારૂ ભરેલી રિક્ષા સાથે શખ્સ ઝડપાયો
816 બોટલ દારૂ અને રિક્ષા મળી રૂા.4.09 લાખનો મુદ્દામાલ કબ્જે : જંગલેશ્ર્વરના શખ્સનું નામ ખુલ્યું
શહેરના સામાકાંઠે સંતકબીર રોડ પર આવેલા ગોકુળનગરમાંથી પોલીસે બાતમીના આધારે 2.55 લાખનો દારૂ ભરેલી ઓટો રિક્ષા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે 816 બોટલ દારૂ અને રિક્ષા મળી કુલ રૂા.4.09 લાખનો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ કરતા જંગલેશ્ર્વરના શખ્સનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ થોરાળા પોલીસ મથકના પીએસઆઇ એન.આર.ડોબરીયા, એએસઆઇ દેવશીભાઇ ખાંભલા, હિતેષ પરમાર, સંજય માડાણી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ગોકુળનગરમાથી ઓટો રિક્ષા ઝડપી લઇ તેની તલાશી લેતા રિક્ષામાંથી વિદેશી દારૂની બોટલ નંગ 816 કિ. રૂા. 254592 મળી આવતા પોલીસે રિક્ષા ચાલક જીતે ઉર્ફે હિતો નાથાભાઇ ચંદ્રપાલ રહે. આંબેડકર નગર શેરી ન.6ની ધરપકડ કરી દારૂ અને રિક્ષા મળી રૂા.4.09 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીની પૂછપરછ કરતા તેણે આ દારૂનો જથ્થો જંગલેશ્ર્વરમાં રહેતા આલીમ અલી અનીશ શેખે ભરી આપ્યો હોવાનુ અને અન્ય જગ્યાએ લઇ જવાનુ કહ્યુ હોવાનુ જણાવ્યુ હતું. જેથી પોલીસે બંને વિરૂધ્ધ ગુનો નોંધી સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે.