કંસારા બજારમાંથી સોના-ચાંદીના 1 લાખના દાગીના સાથે શખ્સ ઝડપાયો
શહેરનાં કંસારા બજાર મેઇન રોડ પર એક શખસ શંકાસ્પદ હાલતમા જણાતા એ ડીવીઝન પોલીસ મથકનાં સ્ટાફે આ શખસને અટકાવી તેની તલાસી લેતા તેનાં પાસે રહેલી થેલીમાથી સોના-ચાંદીનાં ઘરેણા મળી આવ્યા હતા. અને દાગીના અંગે પુછપરછ કરતા તેમજ આ દાગીનાનાં બીલ રજુ કરવાનુ કહેતા તેમની પાસે બીલ ન હતા અને આરોપી ગલ્લા તલ્લા કરવા લાગ્યો અને પોલીસે આ શખસ પાસેથી 1 લાખનાં દાગીનાં અને મોબાઇલ જપ્ત કર્યા હતા.
વધુ વિગતો મુજબ એ ડીવીઝન પોલીસ મથકનાં પીઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ એસ. એમ. રાણા, ડી સ્ટાફના ધારાભાઇ, ધર્મેશભાઇ, કલ્પેશભાઇ બોરીચા અને અમીતભાઇ ગોહેલ સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો ત્યારે કંસારા બજાર પાસેથી એક શંકાસ્પદ શખસને અટકાવી તેનાં પાસે રહેલી થેલી ચેક કરતા તેમાથી સોના - ચાંદીનાં દાગીના અને મોબાઇલ મળી આવ્યા હતા.
આ શખસની પુછપરછ કરતા તેમણે પોતાનુ નામ વિક્રમ રણજીતભાઇ ખાખોરીયા (રહે. ઢાકણીયા રોડ બાપા સીતારામ મઢુલી પહેલી શેરી મેલડી માતાજીનાં બોર્ડ સામે બોટાદ) હોવાનુ જણાવ્યુ હતુ . તેમની પાસેથી ઘરેણા અને મોબાઇલનાં બીલ માંગતા તેમની પાસે બીલ નહી હોવાનુ જણાવ્યુ હતુ જેથી એ ડીવીઝન પોલીસ મથકે લઇ આવી આરોપી વિરુધ્ધ બી. એન. એસ. એસ. ની કલમ 106 મુજબ શક પડતી મીલકત તરીકે દાગીના અને મોબાઇલ જપ્ત કર્યા હતા.
વિક્રમ પાસેથી મળી આવેલા દાગીનાઓમા સોનાની નાની પાંદડીઓ, પગમા પહેરવાનાં સાકળા, ચાંદીની હાથમા પહેરવાની બંગડી, ચાંદીનો દિલની ડિઝાઇન વાળો કમરમા પહેરવાનો પટો તેમજ ચાંદીનો કંદોરો અને એક મોબાઇલ આમ આરોપી વિક્રમ પાસેથી 1 લાખ 7 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.