મહિકાના પાટિયા પાસેથી રૂપિયા 48 હજારની પ્રતિબંધિત ચાઇનીઝ ફીરકી સાથે શખ્સ ઝડપાયો
મકરસંક્રાંતિના તહેવારને હવે દોઢ મહિનો જ બાકી રહ્યો છે. ત્યારે જ પતગ રસીયાઓએ અત્યારથી જ દોરી પવડાવવાનું શરૂ કરી દીધુ છે. જયારે બીજી તરફ પ્રતિબંધીત ચાઇનીઝ દોરી વેચતા શખ્સોને પકડી પાડવા પોલીસે કમર કસી લીધી છે. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ન વેચવાનુ પોલીસ કમિશનરનું જાહેરનામુ હોવા છતા કેટલાક વેપારીઓ જાહેરનામોનો ભંગ કરી જીવલેણ ચાઇનીઝ દોરીનુ વેચાણ કરતા હોય છે. આજીડેમ પોલીસે મહિકાના પાટીયા પાસેથી 48 હજારની કિંમતની 240 ચાઇનીઝ ફીરકી સાથે ગોંડલના ચોરડી ગામે રહેતા શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, આજીડેમ પોલીસમાં મથકના પીઆઇ એ.બી. જાડેજાની રાહબરી હેઠળ એએસઆઈ હારૂૂનભાઈ ચાનીયા,રવિભાઇ વાંક,રાજેશભાઇ મેર,કિશનભાઇ આહિર તથા ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા અને હરપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે મહીકા ગામના પાટીયા પાસે આશાપુરા હોટેલ નજીક જાહેર રોડ પર એક શખસ પ્લાસ્ટિકના બાચકા સાથે ઉભો હોય પોલીસે તેની પુછતાછ કરતા તેનું નામ રાજન પ્રવિણભાઇ જાદવ(ઉ.વ. 19 રહે. ચોરડી તા. ગોંડલ) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે તેની પાસે રહેલા પ્લાસ્ટિકના બાચકામાં તપાસ કરતા મોનો સ્કાય કંપનીની પ્રતિબંધિત ચાઇનઝ દોરી મળી આવી હતી. પોલીસે બાચકામાંથી રૂૂપિયા 48 હજારની કિંમતની ચાઈનીઝ દોરીની 240 ફીરકી મળી આવી હતી. પોલીસે રાજન જાદવ નામના શખસ વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.