ગળા કાપી નાખતી જીવલેણ ચાઈનીઝ દોરીની 660 ફીરકી સાથે શખ્સ ઝડપાયો
ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે પોલીસે જીવલેણ ચાઈનીઝ દોરીના વેચાણ ઉપર પ્રતિબધ્ધ લગાવ્યો છે. આમ છતાં છાના ખુણે ઘણા વેપારીઓ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં હોય પોલીસે ગળાકાપી નાંખતી જીવલેણ ચાઈનીઝ દોરી વેચતાં શખ્સોને ઝડપી લેવા કમરકસી લીધી છે ત્યારે ગોંડલમાંથી પોલીસે જીવલેણ ચાઈનીઝ દોરીની 660 ફીરકી સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
ત્યારે અન્ય એકની શોધખોળ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ, ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ એલ.આર.ગોહિલ, એએસઆઈ જીજ્ઞેશ પુરોહિત, હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ગોહિલ, મહાવીર બોરીચા, ભાવેશ સાસીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.
દરમિયાન ગોંડલમાં વાહન ચેકીંગ દરમિયાન રિક્ષામાંથી ચાઈનીઝ દોરીની ફીરકી નં.660 કિ.રૂા.99000 મળી આવી હતી. જેથી પોલીસે રિક્ષા ચાલક અયુબ સલીમભાઈ ખેભર (રે.ગોંડલ કોટડાસાંગાણી રોડ)ની ધરપકડ કરી ચાઈનીઝ દોરી અને રીક્ષા મળી કુલ રૂા.1.79 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ઈબ્રાહીમ નુરશા શાહમદારનું નામ ખુલતાં પોલીસે બન્ને વિરૂધ્ધ ગુનો નોંધી ઈબ્રાહીમશાની શોધખોળ હાથ ધરી છે.