પાલિતાણા પંથકમાંથી એક કરોડના એમ્બારગ્રિસ સાથે શખ્સ ઝડપાયો
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ઠાડચ ગામમાં આવેલ બગદાણા ચોકડી પાસેથી સરતાનપર ગામના શખ્સને પોલીસે રૂૂ.1.01 કરોડની કિંમતના એમ્બારગ્રિસ (વ્હેલ માછલીની ઉલટી) સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.સરતાનપર ગામમાં રહેતા અન્ય એક શખ્સ વતી એમ્બરગ્રીસની ડિલિવરી કરવા આવેલ શખ્સને પાલીતાણા રૂૂરલ પોલીસે ઝડપી લીધો હતો. પાલીતાણા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક મિહિર બારીયાને મળેલી બાતમીના આધારે તેમણે પાલીતાણા રૂૂરલ પોલીસને એમ્બરગ્રીસની હેરાફેરી અટકાવવા માટે અને આવા ઇસમોને ઝડપી લેવા માટે સૂચના આપી હતી. જેને અનુલક્ષીને પાલીતાણા રૂૂરલ પોલીસના ઇન્સ્પેક્ટર આર. ડી.રબારી તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, ઠાડચ ગામમાં આવેલ બગદાણા ચોકડી પર એક ઇસમ એમ્બરગ્રીસની હેરાફેરી અને વેચાણ માટે બેઠો છે.
આ બાતમીના આધારે પાલીતાણા રૂૂરલ પોલીસે બગદાણા ચોકડી પર હાજર પ્રદીપ મનુભાઈ ગુજરીયા ( રહે. સરતાનપર, તા. તળાજા ) ની પાસે રહેલ થેલીમાં તપાસ કરતા થેલીમાંથી 01 કિલો10 ગ્રામ એમ્બરગ્રીસ ( વ્હેલ માછલીની ઉલટી ) કિં. રૂૂ.1,01,00,000/- મળી આવી હતી. આ અંગે શખ્સની પૂછપરછ કરતા સરતાનપર ગામમાં રહેતા મેહુલ ઉર્ફે છોટુ રમેશભાઈ બાંભણિયાએ તેને પૈસા આપવાની લાલચ આપી વ્હેલ માછલીની ઉલટી બગદાણા ચોકડી પર લેવા આવનાર એક ઇસમને આપવાની હોવાનું જણાવ્યું હતું અને તેમની પાસેથી પૈસા લેવાના હોવાનું જણાવ્યું હતું. આ અંગે પાલીતાણા રૂૂરલ પોલીસે વન વિભાગ તેમજ એફએસએલના અધિકારીઓને બોલાવી એમ્બરગ્રીસ અંગે તપાસ કરી આ જથ્થો કબજે કર્યો હતો.આ મામલે વન વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.