કોડીનારના સિંધાજ અને ફાચરીયામાં મોરનો શિકાર કરતો શખ્સ ઝડપાયો
કોડીનાર તાલુકાના સિંધાજ અને ફાચરીયા ગામની સીમમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરતા એક યુવકને વન વિભાગે રંગેહાથ ઝડપી પાડ્યો છે.
જાણવા મળતી માહિતી મુજબ, આજે બપોરના સમયે જામવાળા રેન્જના ઘાંટવડ રાઉન્ડમાં આવતા સિંધાજ અને ફાચરીયા ગામની સીમમાં આવેલા એક ખેતરના કિનારે રાષ્ટ્રીય પક્ષી મોર (ઢેલ) પોતાના ઈંડાનું જતન કરી રહી હતી. તે જ સમયે, સિંધાજ ગામનો એક યુવક શિકાર કરી રહ્યો હોવાની બાતમી વન વિભાગના ગાર્ડ એચ.આર. સોલંકી અને એચ.જે. મકવાણાને મળી હતી.બાતમી મળતાની સાથે જ વન વિભાગની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે જોયું કે સિંધાજ ગામનો રાયસીંગ મૂળજી પરમાર (ઉંમર 25) નામનો યુવક શિકાર કરેલ મૃત મોર (ઢેલ) અને તેના ત્રણ ઈંડાને લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વન વિભાગે તેને સ્થળ પર જ દબોચી લીધો હતો. યુવક પાસેથી મૃત ઢેલ, ત્રણ ઈંડા, શિકાર કરવા માટે વપરાતી જાળ અને અન્ય સાધનો પણ મળી આવ્યા હતા.
ઘટનાની જાણ થતા જ જામવાળા રેન્જ ફોરેસ્ટર બી.બી. વાળા અને ઘાંટવડ રાઉન્ડ ફોરેસ્ટર એમ.જી. દમણીયા સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તેમણે મુદ્દામાલનો કબજો લીધો હતો અને પંચોના નિવેદનો નોંધ્યા બાદ રાયસીંગ મૂળજી પરમારની ધરપકડ કરી હતી. યુવક વિરુદ્ધ ગુનો નોંધી તેને વધુ કાર્યવાહી માટે જામવાળા રેન્જ ઓફિસે લઈ જવામાં આવ્યો છે. આ ઘટનાએ પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાવી છે.