ડીસાના મહાદેવીયા ગામમાં LCBની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નોટો બનાવતી ફેક્ટરી ઝડપી પાડી, 2 આરોપી પકડ્યા
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મહાદેવીયા ગામમાં LCBએ મોટી કાર્યવાહી કરી છે.LCBએ નકલી ભારતીય ચલણી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ મામલે બે આરોપીની ધરપકડ કરી છે. LCBએ બાતમીના આધારે મોડીરાત્રે રેડ પડી હતી. રૂપિયા 40 લાખથી વધુની નકલી નોટો જપ્ત કરી છે.
મળતી વિગતો અનુસાર LCBને મહાદેવીયા ગામે ડુપ્લીકેટ નોટો બનાવવામાં આવતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે, ગત (3 સપ્ટેમ્બર) મોડીરાત્રે એલસીબીની ટીમે મહાદેવીયા ગામમાં દરોડો પાડ્યા હતાં. ખેતરના ભોયરામાં ડુપ્લીકેટ નોટો બનાવતા હતા. પોલીસે રાયમલ પરમારના ખેતરમાંથી બાતમીના આધારે નકલી નોટો બનાવતી ફેક્ટરીને ઝડપી છે.
દરોડા દરમિયાન પોલીસને ત્યાંથી 40 લાખથી વધુની નકલી નોટો મળી આવી હતી. આ મામલે પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા છે, જેમણે પ્રાથમિક પૂછપરછમાં નકલી નોટો છાપતા હોવાનું સ્વીકાર્યું છે.આ આરોપીઓ પાસેથી 3 નોટ છાપવાના મશીન મળી આવ્યા છે. એલસીબીની કામગીરીથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.
આ મામલે માહિતી આપતાં જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને આ સમગ્ર મામલાની સત્તાવાર માહિતી આપવામાં આવશે. પોલીસે આ રેકેટમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.