જૂનાગઢમાં મજેવડી દરવાજા કાંડમાં ફરાર મુખ્ય આરોપીની ધરપકડ
જૂનાગઢ એ-ડિવિઝન પોલીસે મજેવડી દરવાજા વિસ્તારમાં થયેલી હિંસક ઘટનાના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. સોહીલ રજાક મકરાણી (22) નામનો આરોપી છેલ્લા દોઢ વર્ષથી પોલીસથી ફરાર હતો.
આરોપી વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, પોલીસ પર હુમલો અને જાહેર સ્થળે તોફાન મચાવવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે. તેની સામે IPC કલમ 302, 307, 326, 332, 353, 147 અને 149 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ગુના નિવારણ ટીમને મળેલી બાતમીના આધારે આરોપીને ભારત મિલના ઢોરા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. આ ઓપરેશન રેન્જ આઈજી નિલેશ જાંજડીયા, એસપી ભગીરથસિંહ જાડેજા અને ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું.
પોલીસ ટીમમાં ઇન્સ્પેક્ટર આર.કે. પરમાર, પીએસઆઈ વાય.એન. સોલંકી, એએસઆઈ પંકજ સાગઠીયા અને કોન્સ્ટેબલ જયેશ કરમટાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. હાલમાં આરોપીને એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો છે અને તેની સામે આગળની કાનૂની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે.