નકલી GST બીલિંગ કૌભાંડમાં મહેશ લાંગાના સાગરિતની ધરપકડ
રાજકોટમાં .61.38 લાખના બોગસ જીએસટીના બિલીંગ કૌભાંડમાં આર્થિક ગુના નિવારણ શાખાએ મહેશ લાંગાના સગ્રીત જૂનાગઢના શખ્સની ધરપકડ કરી છે. મહેશ લાંગા સાથે સાબરમતી જેલમાં રહેલા શખ્સનો આર્થિક ગુના નિવારણ શાખાએ કબજો લીધો છે. પકડાયેલ વચેટિયાએ મહેશ લાંગાની પેઢીને રૂૂ.12.98 લાખના નકલી બીલ આપ્યા હતા અને કમીશન મેળવ્યું હતું આ મામલે હવે આર્થિક ગુના નિવારણ શાખાએ તેની રીમાન્ડ ઉપર પુછપરછ શરુ કરી છે.
મળતી વિગતો મુજબ મહેશ લાંગા હસ્તકની 14 જેટલી પેઢીઓ સામે રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાયા બાદ તપાસમાં અન્ય 7 બોગસ પેઢીઓ જીએસટીની ઝપટે ચડી જતા 79,20,398 રૂૂપિયાની છેતરપીંડી અંગે 1 ડિસેમ્બરના રોજ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ 7 પેઢીઓ પૈકી રાજકોટમાં ત્રણ, જૂનાગઢમાં બે અને અમદાવાદ તથા ભાવનગરમાં એક-એક પેઢી હોવાનું સામે આવ્યું છે તેમજ 7 પૈકી 2 પેઢી એવી છે જેના ઉપર જીએસટી ચોરીનો બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આર્થિક નિવારણ શાખા દ્વારા મહેશ લાંગાની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી કબ્જો લઇ ધરપકડ કરી રીમાન્ડ ઉપર પુછપરછ કરી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે મહેસ લાંગા સહિતનાઓએ બોગસ પેઢી ખોલી તેના આધારે બોગસ જીએસટી બીલો, ઈ-વે બિલો બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હતી. આર્થિક નિવારણ શાખા દ્વારા તપાસ કરી ખોટા ભાડા કરાર બનાવી તેનો દુરુપયોગ કરી અને ખોટી કંપનીઓ બનાવવામાં આવી હતી. રાજકોટની પરમાર એન્ટરપ્રાઈઝ ડી એ એન્ટરપ્રાઇઝ મનોજ લાંગાના અને પિતરાઈ ભાઈ મહેશ લાંગાની હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે આ તપાસ દરમિયાન કુલ 12 આરોપીને ઝડપી પાડ્યા હતા. બાદમાં આ કેસમાં આર્થિક ગુના નિવારણ શાખાએ અમદાવાદ સાબરમતી જેલમાંથી મહેશ લાંગાનો કબ્જો લીધો હતો.
જેની પુછપરછ અને તપાસમાં મહેશ લાંગા સાથે આ કૌભાંડમાં સંડોવાયેલ જૂનાગઢના રમેશ ભેટારિયાનું નામ ખુલ્યું હતું.રમેશ પણ મહેશ લાંગા સાથે સાબરમતી જેલમાં હોય રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે રમેશ ભેટારિયાનો જેલ માંથી કબજો લઇ પુછપરછ કરતા જાણવા મળ્યું કે, પકડાયેલ રમેશ ભેટારિયાએ મહેશ લાંગાની પેઢીને રૂૂ.12.98 લાખના બોગસ જીએસટી બીલ આપ્યા હતા જેમાં રમેશે કમીશન લીધું હતું.બોગસ ટેક્સ ક્રેડિટ કૌભાંડ મામલે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાની સુચનાથી ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ભરત બી.બસિયાની સુચનાથી આર્થિક ગુના નિવારણ શાખાના પી.આઈ કે.જે.કરપડા સાથે પીએસઆઈ ચંદ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફ વધુ તપાસ ચાલવી રહ્યો છે.