રાજપરાની સીમમાં મંદિરમાં ઘૂસી મહંત ઉપર હુમલો : 20 હજારની લૂંટનો આરોપ
કોટડાસાંગાણીના રાજપરા ગામની સીમમાં આવેલા મેલડી માતાના મંદિરમાં મધરાત્રે અજાણ્યા શખ્સોએ ઘુસી મહંત ઉપર છરી વડે હુમલો કરી માર મારતાં ઈજાગ્રસ્ત મહંતને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં મહંતે અજાણ્યા શખ્સો હુમલો કરી રૂા.20 હજાર લુંટી ગયાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે કોટડાસાંગાણી પોલીસે સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રાજપરા ગામની સીમમાં આવેલા ગારાવાળી મેલડીમાંના મંદિરના મહંત શોભનાથબાપુ વેધનાથબાપુ નાથજી (ઉ.47) ગત રાત્રે મંદિરમાં હતાં ત્યારે રાત્રીના 2.30 વાગ્યે અજાણ્યા શખ્સોએ મંદિરમાં ઘુસી તેમના ઉપર છરી વડે હુમલો કરી માર મારતાં તેમને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમણે જણાવ્યા મુજબ, તેઓ રાત્રે મંદિરમાં હતાં ત્યારે પહેલા એક યુવક અને યુવતી આવી હતી બાદમાં અન્ય ચાર યુવક અને એક યુવતીએ આવી અચાનક છરી વડે હુમલો કરી માર માર્યો હતો અને રૂા.20 હજાર લુંટી ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કોટડાસાંગાણી પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મંદિરના સીસીટીવી ફુટેજ તપાસતા તજવીજ હાથ ધરી હતી. જો કે પોલીસે જણાવ્યું કે મંદિરના સીસીટીવીમાં સ્પષ્ટ દેખાતું નથી જેથી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.