માધવપુરની મહિલાને સસ્તા સોનાની લાલચ આપી રૂા.10 લાખની છેતરપિંડી
માંગરોળના બે અને ધારીના બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ
પોરબંદર પંથકમાં માછીમારીનો વ્યવસાય કરતી એક મહિલાને માંગરોળના બે અને ધારીના અજાણ્યા બે શખ્સોએ સસ્તુ સોનું આપવાની લાલચ આપી ધારીમાં બોલાવી નકલી સોનું ધાબડી દઇ રૂૂા. દશ લાખની ઠગાઇ કરતા ધારીના પોલસ મથકમાં વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ થઇ છે. પોલીસે ચાર શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડના વનીતાબેન કાનાભાઇ ચૌહાણ અને તેનો પરિવાર બોટ સાથે માછીમારીનો વ્યવસાય કરે છે. વનીતાબેનના પતિને બીમારી હોવાથી સમગ્ર કારોબાર તે ચલાવે છે.
આ પરિવારની જેમ જ તેની ભાગીદારીમાં માછીમારી કરતા અકરમભાઇ લુચાણીએ વાત કરી હતી કે તેના મિત્ર જાબીરભાઇ કહે છે કે, સલાયા બંદરે બે વ્યક્તિ બોટની સાફ સફાઇ કરતા હતા. ત્યારે સોનાની પોટલી મળેલી છે અને આ સોનું તે સસ્તાભાવે વેંચી નાખવા માગે છે. જો તમારે જોઇતું હોય તો કહો એમ કહેતા લાલચમાં આવી વનીતાબેને સોનું ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. એ પછી તેને સસ્તા સોનાની જાળમાં લપેટવા રૂૂા. 11000ની કિંમતનો એક સોનાનો ટૂકડો માત્ર રૂૂા. 500માં જ આપ્યો હતો.
જે માધવપુરમાં ચકાસતા સાચો હતો. આથી વનીતાબેનને સોનું સાચું જ છે એવો દ્દઢ વિશ્વાસ બેસી ગયો હતો. એ પછી લાલચમાં આ મહિલાએ અને તેના પતિએ પોતાનું મકાન અને હોડીનો દસ્તાવેજ આપી રૂૂા. દશ લાખનો બંદોબસ્ત કરી વધુ સોનું લેવાનું નક્કી કરી ઇચ્છા વ્યક્ત કરી હતી. આથી માંગરોળના જાબીરભાઇ ઇકબાલભાઇ બાનવા અને આસીફભાઇ હૈદરભાઇ રફાઇએ કહ્યું હતું કે, તમે 10 લાખ રોકડા લઇને ધારી આવજો ત્યાં તમોને બે શખ્સો આવીને સોનું આપી દેશે. તમે તેને પૈસા આપી દેજો. એ પછી આખો વ્યવહાર પુરો થયો હતો. અને સોનું ખરીદી માધવપુર આવ્યા હતા.
વનીતાબેને માધવપુર આવી સોનું સાચું છે કે ખોટું તે ચકાસણી કરાવતા નકલી હોવાનું બહાર આવ્યું હતું. આથી તેની સાથે છેતરપિંડી ઠગાઇ થયાનું માલુમ પડયું હતું. આ અંગે ફોન કરતા સામેથી બધાએ ફોન સ્વીચ ઓફ કરી દીધા હતા. આથી વનીતાબેને માંગરોળના માત્રી પુલ પાસે રહેતા જાબીરભાઇ ઇકબાલભાઇ બાનવા તથા આસીફભાઇ હૈદરભાઇ રફાઇ અને બે અજાણ્યા શખ્સો સામે ધારી પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.
