તું ગાંડી છો, તને વળગાડ થયો છે કહી માધાપરની પરિણીતાને સાસરીયાનો ત્રાસ
પેનિક એટેક આવતા પતિ સારવાર કરાવતો નહીં અને મારમારતો: મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાઇ
માધાપરના ઈશ્વરિયા પાર્ક શેરી નં. 7માં રહેતી હેમાંગીબેન નામની 24 વર્ષની પરિણીતાએ પતિ હાર્દિક, સસરા શૈલેષભાઈ ચુનીભાઈ માંડવિયા, સાસુ શિલ્પાબેન, નણંદ અમિષા (રહે. ચારેય સિટી કોટયાર્ડ, રૈયાધાર) અને જેઠ પુષ્પક હિતેશભાઈ માંડવિયા (રહે. સુંદરમ સિટીની બાજુમાં, જામનગર રોડ) વિરૂૂધ્ધ મહિલા પોલીસ મથકમાં ત્રાસની ફરિયાદ નોંધાવી છે.
જેમા જણાવ્યું છે કે 2023માં લગ્ન થયા હતા. પતિ ગ્રાફીક ડીઝાઈનીંગનું તથા સસરા ફર્નિચરનું કામ કરે છે, સાસુ પ્રાઇવેટ સ્કૂલમાં કલાર્ક તરીકે નોકરી કરે છે. દસેક મહિના સુધી લગ્નજીવન સારી રીતે ચાલ્યા બાદ સાસુને તે ગમતી ન હોવાથી તેના પ્રત્યેનું વર્તન ખરાબ થઈ ગયું હતું. જેને કારણે તેને માનસિક ત્રાસ આપી પતિને ચડામણી કરતા હતા. પરિણામે પતિ માર મારતો હતો. નણંદ પણ મેણાટોણા મારતી હતી.2024 પછી તેને પેનિક એટેક આવવાનું શરૂૂ થયું હતું. માનસિક બીમારી પણ લાગુ પડી ગઈ હતી. જેને કારણે સાસરિયાઓ તું ગાંડી છો, તને વળગાડ થયું છે, જેથી અમારે છૂટુ જોઇએ છીએ તેમ કહેતા હતા. કૌટુંબીક જેઠ પતિને છૂટાછેડા આપી દેવા માટે ચડામણી કરતો હતો. બીમાર હતી ત્યારે સાસરિયાઓએ સારવાર કરાવી ન હતી.પતિ સાથે ઝઘડો થતાં અલગ રહેવા જતી રહી હતી.
પતિ પેનિક એટેક આવતા ત્યારે સારવાર કરાવતો નહીં અને માર મારતો. સાથોસાથ કહેતો કે તું મારે જોઈતી નથી, મારે છૂટાછેડા જોઈએ છે.તેમ કહેતા આઘાત લાગ્યો હતો. જેને કારણે પેનિક એટેક આવતા સિવિલમાં સારવાર લીધી હતી. રજા અપાતા ભાડાના મકાનમાં રહેવા ગઈ હતી. ત્યાર પછી સાસુની ખબર પૂછવા ગઇ હતી ત્યારે તેની માતાએ ત્યાં આવી મારે દીકરીને સાચવતા નથી તેમ કહેતા સાસુ-સસરાએ ઉશ્કેરાઇ જઇ જેમ ફાવે તેમ બોલવાનું શરૂૂ કર્યું હતું.ફરીથી તેને પેનિક એટેક આવતા માર માર્યો હતો. જેને કારણે બેભાન બની ગઈ હતી. ભાનમાં આવતા એમ્બ્લયન્સમાં હતી. માતા અને ભાઈએ સિવિલમાં દાખલ કરી હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પિયર અને સાસરિયા પક્ષ વચ્ચે ઝગડા થયા હતા. સાસરિયા પક્ષે સ્વીકારવાની ના પાડી હતી.જેથી મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.