લીંબડીમાં એકસાથે ત્રણ મકાનના તાળા તૂટ્યા, સોના-ચાંદીના ઘરેણા સહિત લાખોની ચોરી
લીંબડી શહેરમાં છાલીયાપરા વિસ્તાર અને ઉટડી પુલ નજીક જુદા જુદા ત્રણ બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકીને તડખડાટ મચાવ્યો હતો. જેમાં અલગ અલગ જગ્યાએથી ત્રણ તોલાથી વધુ સોનાના દાગીના તથા 25 હજાર થી વધુ રોકડ રકમની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
છાલીયાપરા વિસ્તારમાં આવેલા નારૃભાના ખાંચા પાસે રહેતાં શારદાબેન બાલકૃષ્ણભાઈ આચાર્ય હોસ્પિટલના કામ અર્થે અમદાવાદ ખાતે ગયા હતા. તે સમયે તેમના બંધ મકાનના દરવાજાના નકુચા તોડીને તસ્કરોએ ઘરમાં પ્રવેશી તિજોરીમાંથી સોનાના પાટલા 1 જોડી સોનાની બુટ્ટી 1 જોડી મળીને સવા બે સોનાના દાગીના તથા ચાંદીની ગાય તથા તુલસી ક્યારો મળીને 200 ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરી અજાણ્યો શખ્સો ફરાર થઈ ગયા હતા. જ્યારે તેમનાથી થોડે દૂર રહેતાં રાજેન્દ્રસિંહ કેશુભા પરિવાર સાથે ભાવનગર માતાજીના દર્શનાર્થે ગયો હતા. તે સમયે બંધ મકાનના દરવાજાના નકુચા તોડીને તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી તિજોરીમાંથી સોનાની ચાર ચુડાલી તથા સોનાની ચુક મળીને સવા તોલા સોનાના દાગીના તથા અંદાજે 25 હજાર રૃપિયા રોકડની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. તેમજ ઘરમાં બધું વેરવિખેર કરીને નુકસાન પહોંચાડયું હતું.
નારૃભાના ખાંચા પાસેના વિસ્તારમાં 40 વર્ષમાં પહેલીવાર ચોરીનો બનાવ બનતાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો. રોષે ભરાયેલા લોકોએ તસ્કરોને ઝડપી પાડવા પોલીસ તંત્રને માંગ કરી હતી. તેમજ ઉટડીના પુલ પાસે રહેતાં નરહરિ પ્રસાદ કિરીટભાઈ ભટ્ટના બંધ મકાનના તસ્કરોએ તાળા તોડીને પ્રવેશ કર્યો હતો. જેમાં તેઓ ખાલી હાથે પરત ફર્યા હતા. જ્યારે આ બનાવની જાણ લીંબડી પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
લીંબડી શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે છતાં પણ પોલીસ તંત્ર દ્વારા આજ દિન સુધી એક પણ ચોરી નો ભેદ ઉકેલાયો નથી. અને તંત્ર નિષ્ફળ રહ્યા કરે છે તેમજ શહેરના મુખ્ય માર્ગો પર લાખનો ખર્ચે લગાવેલા સીસીટીવી કેમેરા પણ શોભાના ગાંઠીયા સમાન બન્યા છે. જેથી કરીને પોલીસ ની કામગીરી સામે અનેક સવાલો ઉઠયા છે.