ગાયકવાડીમાં ગંગોત્રી એપાર્ટમેન્ટના બે ફલેટમાં તાળા તૂટ્યા, 44 હજાર મતાની ચોરી
ગાયકવાડીમાં ગંગોત્રી એપાર્ટમેન્ટમાં આવેલા બે ફલેટમાં તસ્કરો ઘુસ્યા હતા અને દાગીના અને રોકડ સહીત 44 હજારની રોકડની ચોરી થયાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે. આ ઘટનામાં હાલ લખનઉ ગયેલા પરિવારના મકાનમાંથી પણ ચોરી થયાની ફરીયાદ નોંધવા તજવીજ શરૂ કરાઇ છે.
બનાવની વધુ વિગતો અનુસાર, ગંગોત્રી એપાર્ટમેન્ટમાં રહેતા સોનલબેન ઉદયભાઇ પીઠડીયા (ઉ.વ.45) નામના મહીલાએ જણાવ્યું હતું કે તેઓના પતિ દરજીકામ કરે છે. માતા ઇંદુબેન ત્રણ મહીનાથી તેમની સાથે જ રહે છે. માતા અગાઉ જામનગર રહેતા હોય ત્યાંથી અમુક સામાન લેવાનો હોય ત્યાંથી તા.26/4ના રોજ સામાન લેવા ગયા હોય ત્યારે રાજકોટના ફલેટમાં બીજા માળે રહેતા કવીતાબેનનો ફોન આવ્યો અને તેઓએ કહ્યું કે તમારા ઘરનું તાળુ તુટેલું છે અને સામાન વેરવીખેર છે જેથી ઘર નજીક રહેતા દેરાણી ક્રિષ્નાબેનને કહ્યું કે તમે ફલેટે પહોંચી વીડીયો કોલ કરી બતાવજો અને ત્યાં જ રહેજો અને બાદમાં ફરીયાદી સોનલબેન ત્યાંથી રાજકોટ આવી પહોંચ્યા હતા અને ઘરે આવી જાયું તો સામાન વેરવિખેર હતો અને દાગીના અને રોકડ ગાયબ હતા. આમ ફલેટમાંથી કુલ રૂા.44 હજારના મુદામાલની ચોરી થઇ હતી.
તેમજ બાજુના ફલેટમાં ભાડેથી રહેતા રાજુભાઇ ઉપાધ્યાયના ઘરના તાળા પણ તુટેલી હાલતમાં હતા તેમને કોલ કરતા તેઓ લખનઉ હોય અને તેમણે અઠવાડીયા પછી આવવાનું જણાવ્યું હતું. આમ તસ્કરોએ બન્ને ફલેટમાં હાથફેરો કર્યો હતો. આ અંગે પ્ર.નગર પોલીસનાં સ્ટાફે તપાસ ચાલુ કરી છે.