ભાયાવદરમાં ચૂંટણી પૂર્વે મંગાવેલો રૂપિયા 4.68 લાખનો દારૂ ઝડપાયો
ભાયાવદરમાં પોલીસે ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે બુટલેગરના ઘરે દરોડો પાડી તેના બેડરૂમમાં સેટીની નીચે બનાવેલ અંડરગ્રાઉન્ડ ચોરખાનામાંથી રૂા.4.68 લાખની કિંમતનો 380 બોટલ દારૂ તથા કાર સહિત રૂા.14.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડામાં ઢાંક ગામે રહેતો બુટલેગર ફરાર થઈ ગયો હતો.
હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામું અમલમાં હોય તે અનુસંધાને જિલ્લામાં દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી જિલ્લાની પોલીસ સક્રિય બની હોય ત્યારે ભાયાવદરના પીઆઈ વી.સી. પરમાર અને તેમની ટીમે બાતમીના આધારે ઉપલેટાના ઢાંક નજીક રાજપરા ગામે પી.ડી.માલવીયા સ્કૂલની બાજુમાં રહેતાં રમેશ પોલાભાઈ ઓડેદરાના ઘરે દરોડો પાડયો હતો. રમેશે પોતાના બેડરૂમમાં ડબલ બેડની શેટી નીચે ભોયતળીયામાં અંડરગ્રાઉન્ડ ચોરખાનુ બનાવી તેમાં દારૂનો જથ્થો છુપાવ્યો હતો. પોલીસે 4.68 લાખની 380 બોટલ દારૂ તથા જીજે.25 એ.એ.7577 નંબરની એમ.જી.હેકટર કાર સહિત રૂા.14.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પીઆઈ વી.સી.પરમાર સાથે સ્ટાફના રોહિતભાઈ વાઢેર, દિલીપસિંહ જાડેજા, ભાવેશભાઈ બોરીચા, પ્રેમજીભાઈ કીહલા, રણજીતભાઈ, વિપુલભાઈ મેટાડીયા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.