ચોટીલા હાઈવે ઉપરથી 1.19 કરોડનો દારૂ ઝડપાયો
સ્ટેટ મોનિટરીંગ સેલનો કટીંગ વખતે દરોડો: સુરેન્દ્રનગરનાં બુટલેગર સહિત 10 શખ્સો ફરાર
રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે આવેલ નાગરાજ હોટલ પાસે દારૂના કટીંગ વખતે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી હતી. અને આ દરોડામાં રૂા.1.19 કરોડની કિંમતની 8596 બોટલ વિદેશી દારૂ અને વાહન સહિત રૂા.1.26 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડામાં દારૂ મંગાવનાર બુટલેગર સહિત 10 શખ્સોના નામ ખુલ્યા છે. જેની ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, રાજકોટ ચોટીલા હાઈવે પર નાગરાજ હોટલ સામે દારૂનું કટીંગ થતું હતું ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ એસ.વી.ગરચર અને તેમની ટીમે દરોડો પાડયો હતો. આ દરોડામાં રૂા.1.19 કરોડની 8596 બોટલ દારૂ તેમજ જીજે.13 એ.ડબલ્યુ 8447 નંબરની મહિન્દ્રા પીકઅપ મળી આવી હતી. દરોડા વખતે કટીંગ કરનાર માણસો સહિતના શખ્સો ફરાર થઈ ગયા હતાં.
એસએમસીએ રૂા.1.26 કરોડનો મુદ્દામાલ કબજે કરી તપાસ કરતાં આ દારૂનો જથ્થો ચોટીલાના નાની મોલડીના દિલીપ બાવકુ ધાધલે મંગાવ્યો હતો. દારૂ કટીંગ કરનાર દિલીપના છ માણસો, મહિન્દ્રા પીકઅપ વાનનો ડ્રાઈવર તથા તેના માલિક અને આ દારૂનો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય સપ્લાયર સહિત 10 શખ્સોને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. ચોટીલા હાઈ-વે પર મોટાપાયે દારૂની હેરાફેરી વધી હોય જેને પગલે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી 1.19 કરોડનો દારૂનો જથ્થો ઝડપી લેતાં આ મામલે સ્થાનિક પોલીસ મામલે પણ પગલાં લેવાઈ શકે છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ પીઆઈ આર.જી.ખાંટ સાથે પીએસઆઈ એસ.વી.ગરચર અને તેમની ટીમે દરોડો પાડયો હતો અને આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે ચોટીલાના ઠાંગા વિસ્તારમાં દારૂનું કટીંગ મોટાપાયે થાય છે. આવા વિસ્તારોમાં પોલીસ દરોડા પાડે તે પૂર્વે જ બુટલેગરોને પણ ગંધ આવી જતી હોય ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલે આ દરોડો પાડી બુટલેગરોને પણ ઉંઘતા ઝડપી લીધા હતાં.