ઇલેક્ટ્રિક પેનલના પાર્સલોમાં છૂપાવેલો દારૂ ઝડપાયો
વાપીથી બસમાં દારૂ મગાવનાર બૂટલેગરના નવા કિમિયા ઉપર પાણી ફેરવતી પોલીસ, પાર્સલ લેવા વાહન આવ્યું ને પોલીસ ટપકી
શહેરમાં દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ કમિશનરની સૂચનાથી પીસીબીનો સ્ટાફ કામગીરીમાં હતો દરમિયાન વાપીથી આવતી ટ્રાવેલ્સમાં ઇલે.પેનલના પાર્સલની આડમાં દારૂનો જથ્થો રાજકોટ આવ્યો હોવાની અને બસમાંથી આ પાર્સલો ઉતરતા હોવાની ચોકસ બાતમીના આધારે પીસીબીના સ્ટાફે દરોડો પાડી ઇલે. પેનલો તપાસતા તેમા છુપાવેલો રૂ.4 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જયારે પાર્સલ લેવા આવનાર છોટા હાથીનો ચાલક પોલીસ પહોંચતે પહેલા જ ફરાર થઇ ગયો હતો. જેથી પોલીસે છોટાહાથીના ચાલક અને વાપીથી દારૂ મોકલનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ પીસીબીના પીએસઆઇ એમ.જે.હુણ, એએસઆઇ મયુર.પાલરીયા, હેડકોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા કોન્સ્ટેબલ વાલાજીભાઇ જાડા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ગ્રીનલેન્ડ ચોકડથી માર્કેટ યાર્ડ તરફ સવીર્સ રોડ તરફ સેલવાસથી સોમનાથ જતી તીર્થ ટ્રાવેલ્સની બસમાં ઇલે.પેનલના પાર્સલો આવેલા હોય જે પાર્સલ બસમાંથી છોટાહાથીમાં ઉતારવામાં આવી રહ્યા હોય જે પાર્સલમાં વિદેશી દારૂ છુપાવેલો હોવાની ચોકસ બાતમી મળી હતી. જેના આધારે પીસીબીના સ્ટાફે દરોડો પાડતા બસચાલક અબ્દુલ ફકીરભાઇ સમા બસમાંથી છોટાહાથીમાં પાર્સલ ચડાવતો મળી આવ્યો હતો.
જેથી તેને પૂછતા તેણે આ પાર્સલો વાપીથી એક શખ્સે બસમાં ચડાવેલા હોય રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે ઉતારવવાના હોવાનું જણાવેલુ હતુ. જેથી રાજકોટ પહોંચતા તે શખ્સે આપેલા મોબાઇલ નંબર ઉપર ફોન કરતા તેણે પાર્સલ લેવા છોટાહાથી સાથે એક શખ્સને મોકલીયો હતો. જે છોટાહાથીનો ચાલક ચા પીવા જાવ છુ તેમ કહી જતો રહ્યો હોવાનું જાણાવ્યુ હતુ.પોલીસે ઇલે.પેનલના 14 પાર્સલો ખોલીને જોતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની 2472 બોટલો કિંમત(રૂા.3,97,246) મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ, છોટાહાથી અને ઇલ.પેનલના બોકસ કુલ રૂા.7,11,246નો મુદ્દામલ કબજે કરી વાપીથી દારૂ મોકલનાર અજાણયા શખ્સ અને છોટાહાથી મુકી નાશી ગયેલા શખ્સની શોધખોળ હાથ ધરી છે.