વીંછિયાના હડમતિયા ગામની વાડીમાંથી રૂા. 6.26 લાખના દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો
વાડી માલિક અને સપ્લાયરની શોધખોળ, ગ્રામ્ય એલસીબીનો બાતમીના આધારે દરોડો
રાજકોટના વીછિયા તાલુકાના હડમતિયા અને મોટી લાખાવડ ગામ નજીક આવેલ એક વાડીમાં એલસીબીએ બાતમીના આધારે દરોડો પાડી 6.26 લાખની કિંમતના દારૂ-બીયરનો જથ્થો કબ્જે કર્યો હતો. આ દરોડામાં વાડીમાલીક અને સપ્લાયરનું નામ પોલીસે ખોલી નાખ્યું છે. અને બન્નેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ વિછિયાના હડમતિયાથી મોટી લાખાવડ ગામ જવાના રસ્તે મુન્નાભાઈ જીલુભાઈ ખાચરની વાડીમાં દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીના આધારે એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં રૂા. 5.20 લાખની કિંમતની 840 બોટલ વિદેશી દારૂ અને રૂા. 1 લાખની કિંમતના 1008 બિયરના ટીન મળી આવ્યા હતાં. પોલીસે કુલ રૂા. 6.26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યોહ તો. આ દરોડામાં વાડીમાલીક મુન્ના ખાચર ફરાર થઈ ગયો હતો. મુન્નો તેમજ આ દારૂનો જથ્થો મોકલનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
જિલ્લા પોલીસવડા હિમકર સિંહની સુચનાથી એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા સાથે પીએસઆઈ એચ.સી. ગોહિલ તથા સ્ટાફના બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઈ આલ, ધર્મેશભાઈ બાવળિયા, રસિકભાઈ જમોડ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.