ધોરાજીમાં બાળકની હત્યાના ગુનામાં મહિલાને આજીવન કેદની સજા રદ, કેસ ફરી ચલાવવા આદેશ
ધોરાજી ભાદર કોલોની ક્વાર્ટર્સમાં રહેતા સ્ટાફના બાળકો વચ્ચે થયેલા નાના ઝઘડાનો ખાર રાખી બાળકની હત્યા કર્યાના ગુનામાં મહિલાને ધોરાજી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. ધોરાજી કોર્ટના હુકમ સામે મહિલાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જેમાં હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટ અને પોલીસની કામગીરીની ઝાટકણી કાઢી ચુકાદો ઉતાવળમાં અપાયો હોવાનું જણાવી કેસની ટ્રાયલ ફરી ચલાવી છ માસમાં કેસનો નિકાલ કરવા હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસની હકીકત મુજબ, વર્ષ 1996ના આ બનાવમાં ધોરાજી ભાદર ઇરિગેશન આધુનિકીકરણ કોલોની સ્ટાફ ક્વાર્ટર નં.4 એ.માં આર. એમ. કાનાબાર, ક્વાર્ટર નં.5 એ.માં ગિરધરભાઈ સી કોઠીયા અને ક્વાર્ટર નં.6 એ.માં રાજેશકુમાર હરકિશન દેવમુરારી રહેતા હોઇ, બધા કર્મચારીઓના બાળકો સમાન ઉંમર જેવા હોય તેમના બાળકો વચ્ચે થયેલા નાના ઝઘડાનો ખાર રાખીને રાજેશ દેવમુરારીના પત્ની અનિતા ઉર્ફે અરુણાએ તા.5/ 8/ 1996ના રોજ ગિરધરભાઈ કોઠીયાના દિકરા જલદીપ ગિરધરભાઈ કોઠીયાને ઘરમાં બોલાવી અને ગળાચીપ દઈ મારી નાખેલ, જેમાં એક તબક્કે જલદીપને રસોડામાં લઈ જઈ અને દસ્તાથી તેનું માથું છુંદી નાખ્યા બાદ મૃતદેહને પોતે એક સૂટકેસમાં નાખી દીધો હતો.
બાદમાં સાંજે જ્યારે રાજેશભાઈ દેવમુરારી ઘરે આવ્યા ત્યારે તેમને થોડી લોહી જેવી વાસ આવેલી એટલે તરત જ પોતાના પત્ની અરુણા ઉર્ફે અનિતાને પૂછેલું કે કંઈક જુદી વાસ ઘરમાંથી આવે છે. તો તેમણે કહેલ કે મેં જલદીપનું ખૂન કરી નાખેલ છે તમે ઝડપથી અગરબત્તી લઈ આવો. સમય સૂચકતા વાપરી અને પોતાના પત્ની ઉપર કાળ સવાર થઈ ગયો છે તે હકીકત સમજી રાજેશભાઈ તરત જ ઘરમાંથી બાળકો માટે નાસ્તો અને અગરબત્તી લેવાનું કહી અને જેતપુર પોતાના સાસરે જતા રહેલા. સમાંતર ધોરણે જલદીપ મળી રહ્યો ન હતો, તેથી તેના પિતા ગિરધરભાઈ સાથી કર્મચારી રાજુભાઈ કાનાબાર અને અન્ય લોકો તેની શોધખોળમાં લાગી ગયા હતા. અને ધોરાજી પોલીસ સ્ટેશન જઈ રાત્રે 8:30 વાગો ગુમશુદા ફરિયાદ પણ લખાવી હતી. તે દરમિયાન અનિતા ઉર્ફે અરુણાએ મોકો જોઈ અને જલદીપના શબને પોતાના ક્વાર્ટરની પાછળ ની બાજુએ સરકાવી દીધેલ, પરંતુ કહેવત છે કે સત્ય છાપરે ચડીને પોકારે. બસ આ જ રીતે જે શબ સરકાવી રહ્યા હતા તે નીચેના ક્વાર્ટરમાં રહેતા કાનજીભાઈ કોયાણી જોઈ ગયેલા, અને તેમણે નજીક જઈને જોયું તો આ શબ જલદીપનું હતું અને તેના શરીર ઉપર પ્રાણઘાતક ઇજાઓ હતી, આથી તેઓ ડખાઈ ગયા અને તરત જ પરત આવી પોતાના પત્નીને આ વાત કરી, બહાર નીકળી અને ગિરધરભાઈ તથા અન્ય લોકો જે શોધખોળ કરી રહ્યા હતા તેમને વાત કરી. તાત્કાલિક પોલીસ સ્ટેશન જાણ થતાં તત્કાલીન પોલીસ અધિકારી નટવરલાલ પુરુષોત્તમભાઈ પરમારે ગણતરીની મિનિટોમાં હાજર થઈ અને સબ પરીક્ષણ માટે ઇન્કવેસ્ટ પંચનામું કરેલું.
અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને મોકલ્યો હતો. જેમાં પોસ્ટ મોર્ટમ કરનાર ડો. પરેશાબેન બાલુભાઈ પટેલે રિપોર્ટમાં જલદીપના શરીર ઉપર દસ્તા જેવા આશરે 10 થી વધારે ઘા, માથા અને ગળાના ભાગે પણ નિશાન હોવાનું નોંધી અને જલ્દીપનું મૃત્યુ ગળાચીપ આપીએ અને માથામાં થયેલી હેમેઝિક એન્જરીથી થયેલ હોવાનું અભિપ્રાય આપેલો. આ દરમિયાન પોલીસે અરુણા ઉર્ફે અનિતા રાજેશ દેવમુરારીની ધરપકડ કરી લીધેલી હતી. જે કેસ ચાલવા ઉપર આવતાં ધોરાજી સેશન્સ કોર્ટે બાળકના હત્યાના ગુનામાં આરોપી મહિલાને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો. જે સજાના હુકમ સામે મહિલા આરોપીએ હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી. 27 વર્ષની કાનૂની કાર્યવાહીમાં હાઈકોર્ટના જસ્ટીસ વોરા અને જસ્ટીસ રાવલની બેન્ચે ધોરાજી કોર્ટનો હુકમ ઉતાવળમાં લેવાયો હોવાનું જણાવ્યું હતું અને પોલીસની કામગીરીની પણ ઝાટકણી કાઢી હતી. એટલું જ નહીં પરંતુ ધોરાજી સેશન્સ કોર્ટે ફટકારેલી આજીવન સજા રદ કરી કેસની ટ્રાયલ ફરી ચલાવવા અને કેસનો છ માસમાં નિકાલ કરવા હુકમ કર્યો છે.
