‘તું તારી પત્નીને મૂકી દે’ તેમ કહી પ્રેમીએ પતિને હથોડી ઝીંકી
શહેરમાં ગોંડલ રોડ પર આવેલા કોડિયારનગરમાં પત્નીના પ્રેમીએ પતિને ‘તુ તારી પત્નીને મુકી દે’ તેવુ કહી માથામાં હથોડી ઝીંકી દીધી હતી. પ્રૌઢને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર ખોડિયારનગરમાં રહેતા કલ્પેશભાઈ વેલજીભાઈ નનેરા ઉ.વ. 45 રાત્રીના 9 વાગ્યાના અરસામાં ગોંડલ રોડ જકાતનાકા પાસે આવેલ ગીતાનગરમાં હતા ત્યારે કાળુ નામના શખ્સે ઝઘડો કરી હથોડી વડે માર મારી પ્રૌઢને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. પ્રાથમિક પુછપરછમાં હુમલાખોર કાળુને કલ્પેશભાઈ નનેરાની પત્ની શારદાબેન સાથે પ્રેમ સબંધ છે જેથી કાળુએ કલ્પેશભાઈને તુ તારી પત્નીને મુકી દે તેમ કહી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બીજા બનાવમાં પારડી ગામે આવેલી વેલનાથ સોસાયટીમાં રહેતા સાગર રવજીભાઈ પરમાર નામનો 19 વર્ષનો યુવાન ગોંડલના દાળિયા ગામે રિસામણે બેઠેલી પત્ની કિરણબેનને તેડવા માટે ગયો હતો ત્યારે દહેજના રૂપિયા 50 હજાર મુદ્દે ઝઘડો કરી સાગર પરમારને કાકાજી અને તેના ભાણેજે માર માર્યો હોવાના આક્ષેપ સાથે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.