કલ્યાણપુરના ખીરસરામાં જુગારના ધમધમતા અખાડા પર એલસીબી પોલીસ ત્રાટકી
કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે ગતરાત્રે એલસીબી પોલીસે જુગાર દરોડો પાડીને છ ખેલાડીઓને ઝડપી લઇ, મુદ્દામાલ કબજે કર્યો હતો.આ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.એસ.આઈ. એ.એલ. બારસીયા અને બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા ગતરાત્રે વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયા, અરજણભાઈ મારુ અને ખીમાભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુરથી આશરે 30 કિલોમીટર દૂર ખીરસરા ગામની સીમ વિસ્તારમાં નદી કાંઠે રહેતા દુદા અરજણ કદાવલા (ઉ.વ. 50) નામના શખ્સ દ્વારા તેના કબજા ભોગવટાની વાડીએ આવેલા મકાનમાં બહારથી માણસો બોલાવી અને પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને ગંજીપાના વડે રમાતા જુગાર પર રાત્રીના આશરે આઠેક વાગ્યાના સમયે દરોડો પાડવામાં આવ્યો હતો.
આ જુગારધામમાંથી પોલીસે દૂદા અરજણ કદાવલા, ભાનુશંકર હિરજીભાઈ રાજ્યગુરુ, કેશુભાઈ કાનાભાઈ કદાવલા, ઈન્દ્રજીતસિંહ ઉર્ફે પીન્ટુ બચુભા જેઠવા, ગંગદાસ સવાભાઈ પીપરોતર અને પુંજા વેજા વાઢેર નામના છ શખ્સોને ઝડપી લીધા હતા. આ સ્થળેથી પોલીસે રૂૂપિયા 48,700 રોકડા તેમજ રૂૂપિયા 20,000 ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂૂપિયા 68,800 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ પી.એસ.આઈ. આકાશ બારસીયા, ભાર્ગવ દેવમુરારી, એસ.વી. કાંબલીયા, અરજણભાઈ ચંદ્રવાડીયા, અરજણભાઈ મારૂૂ, ડાડુભાઈ જોગલ, વિપુલભાઈ ડાંગર, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, ખીમાભાઈ કરમુર, ગોવિંદભાઈ કરમુર, વિશ્વદિપસિંહ જાડેજા અને સચિનભાઈ નકુમ દ્વારા કરવામાં આવી હતી.