રાજકોટમાં કાયદો-વ્યવસ્થાના લીરા ઉડયા: ડિપ્લોમાં છાત્ર ઉપર સહપાટિનો છરી વડે હુમલો
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાપકના લીરા ઉડ્યા હોય તેમ આજીડેમ નજીક આવેલ ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતા બે છાત્રો વચ્ચે નાપાસ થવા મુદ્દે મશ્કરીમાં ઝઘડો થયા બાદ એક વિદ્યાર્થીએ દફતરમાંથી છરી કાઢી સહપાઠીને છરીનો ઘા ઝીંકી દીધો હતો. હુમલામાં ઘવાયેલા સગીરને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ ખંભાળિયા તાલુકાના ભરાણા ગામનો વતની અને હાલ રાજકોટમાં રાજપુતપરા મેઇન રોડ ઉપર બોર્ડિંગમાં રહેતો અને આજીડેમ નજીક ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતો મંથન અમિતભાઈ નથવાણી નામનો 17 વર્ષનો સગીર બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં કોલેજમાં હતો. ત્યારે તેના મિત્ર આર્યન પીઠડીયાએ ઝઘડો કરી છરી વડે હુમલો કરી કમરના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. મંથન નથવાણીને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે પદ્મકુંવરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે જાણ થતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત મંથન નથવાણી મૂળ ખંભાળિયાના ભરાણા ગામનો વતની છે અને હાલ રાજકોટમાં રાજપૂતપરા મેઇન રોડ ઉપર આવેલી બોર્ડિંગમાં રહી ડિપ્લોમા આઈસીટીનો પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. ગઈકાલે મંથન નથવાણી કોલેજમાં હતો તે દરમિયાન ચાલુ કલાસે મિત્ર આર્યન પીઠડીયા સાથે નાપાસ થવા મુદ્દે બંને મશ્કરી કરતા હતા જેમાં આર્યન પીઠડીયા ઉશ્કેરાયો હતો અને દફતરમાંથી છરી કાઢી મંથન નથવાણી ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.