ભીચરીની કરોડોની જમીન પચાવી પાડવાનું કૌભાંડ, 29 શખ્સો સામે ફરિયાદ
વાંકાનેરના વૃધ્ધાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી, ખોટું સોગંદનામું બનાવી જમીન બારોબાર વેચી દીધી
રાજકોટના અમરગઢ ભીચરીમાં આવેલી કરોડો રૂૂપિયાની જમીન હજમ કરી જવા માટે મૂળ જમીન માલિકના ભળતા નામનો ઉપયોગ કરી તેમના વારસદારોના નામ 7-12માં ચડાવી નકલી દસ્તાવેજ બનાવી નાખવામાં આવ્યા હતા અને તેના આધારે તે જમીન બારોબાર વેચી દેવાઇ હતી. પોલીસે વૃદ્ધાની ફરિયાદ પરથી જીલુબેન જુસબભાઇ કયડા, હવીબેન હાસમભાઇ ધાડા, મમુબેન હાસમભાઇ, ખતીજાબેન અભરામભાઇ પતાણી, હરૂબેન અભરામભાઇ, જુબેદાબેન અભરામભાઇ, સુલેમાન અભરામભાઇ, હારૂન અભરામ, હાજુબેન હુશેનભાઇ દોઢીયા, અબ્દુલ હુશેનભાઇ, ઇસ્માઇલ હુશેનભાઇ, હાજી હુશેનભાઇ, જરીના હુશેનભાઇ, સુમાર ઇસ્માઇલભાઇ ધાડા, આયશાબેન ઇસ્માઇલભાઇ, હમીરભાઇ ઇસ્માઇલભાઇ, રહેમતબેન ઇસ્માઇલભાઇ, રાબીયાબેન ઇસ્માઇલભાઇ, મુસાભાઇ ઇસ્માઇલભાઇ, હારૂનભાઇ ઓસમાણભાઇ ધાડા, આયશા ઓસમાણભાઇ, જરીના ઓસમાણભાઇ, સતારભાઇ ઓસમાણભાઇ, રોશનબેન ઓસમાણભાઇ, રાબીયાબેન જુમાભાઇ ધાડા, ફીરોજ જુમાભાઇ , ઇકબાલ જુમાભાઇ, ગુલબાનુ જુમાભાઇ અને અમઝદ જુમાભાઇ સામે છેતરપીંડી, વિશ્ર્વાસઘાત તેમજ કાવત્રાની કલમ અને ખોટા ડોકયુમેન્ટનો સાચા તરીકે દર્શાવી કૌભાંડ આચરવાની કલમ હેઠળ પ્રનગર પોલીસ મથકમા ગુનો નોંધવામા આવ્યો હતો.
વધુ વિગતો મુજબ,વાંકાનેરમાં રહેતા અને રાજકોટના ખેરડી ગામના વતની જુબેદાબેન યુસુફભાઇ પીપરવાડિયા (ઉ.વ.79)એ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જુબેદાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પિતા હાસમભાઇ જીવાભાઇ ઘાંચી અમરગઢ ભીચરીમાં ખેતીની જમીન આવેલી છે. 40 વર્ષ પહેલાં પિતા હાસમભાઇ પણ વાંકાનેર રહેવા જતા રહ્યા હતા અને પાંચ વર્ષ પહેલાં તેમનું નિધન થયું હતું. તેર મહિના પહેલાં ભીચરીની જમીન વેચવાનું નક્કી કરતાં તે જમીનના 7-12ના દાખલા કાઢવતા તે જમીન હિતેષ પ્રેમજી સેલિયા અને અનિલ વિઠ્ઠલ ખૂંટના નામની હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે તપાસ કરતાં હાસમભાઇ જીવાભાઇ ઘાંચીની જમીનમાં હાસમ જીવા ગીગા ધાડાના વારસદારો હવીબેન હાસમ, મમુબેન હાસમ સહિત 29 શખ્સે ગેરકાયદેસરનું સોગંદનામું તથા પેઢીનામું બનાવી રેવન્યુ કચેરીમાં રજૂ કર્યું હતું અને જમીનના વારસદારો તરીકે પોતાના નામની એન્ટ્રી કરાવી હતી.જોકે રાજકોટ જિલ્લા કલેક્ટરે જમીનમાં ફેરફાર બાબતે મનાઇ હુકમ ફરમાવ્યો હોવાથી આયુષ કમલેશ રામાણીના નામે આ જમીન રેવન્યુ રેકર્ડમાં ચડી નહોતી. આમ ગેરકાયદેસર રીતે હાસમ જીવા ધાડાના વારસદારોએ ખોટું સોગંદનામું તથા પેઢીનામું રજૂ કરી ખોટા વારસદારો ઊભા કરી જમીન વેચી નાખી હતી આ મામલે જુબેદાબેનની ફરીયાદ પરથી પ્રનગર પોલીસમા ગુનો નોંધાતા પીઆઇ વી. આર વસાવા સહીતનાં સ્ટાફે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.