લોહિયાળ ક્રાંતિની ધમકી આપનાર ક્ષત્રિય અગ્રણી પી.ટી. જાડેજાની ‘પાસા’માં અટકાયત
મોડીરાત્રે ધરપકડ કરાતા ક્ષત્રિય સમાજના ટોળા ઉમટ્યા, ઘેરા પ્રત્યાઘાત
રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી. જાડેજાની પાસા હેઠળ ધરપકડ કરી સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. આ મામલે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને મોડી રાતે તાલુકા પોલીસ મથકે ક્ષત્રિય સમાજના ટોળા ઉમટી પડ્યા હતા. લોકસભા ચૂંટણી દરમિયાન ક્ષત્રિય આંદોલનને મજબૂતી આપનાર પી.ટી. જાડેજાને સામે તાલુકા પોલીસ મથકમાં બે દિવસ પહેલા અમરનાથ મહાદેવ મંદિરમાં મહાઆરતી ન કરવા ધમકી આપવાના મામલે ગુનો નોંધાયા બાદ તેમની અટકાત કરી હતી બાદમાં ગઈ કાલે મોડી રાતે અચાનક પાસા હેઠળ અટકાયત કરી ચુસ્ત બંદોબસ્ત હેઠળ સાબરમતી જેલ હવાલે કર્યા હતા.
દોઢસોફુટ રીંગ રોડ પર બીગ બજાર પાછળના મંદિરે મહાઆરતીનું આયોજન કરાયું હોય તેના બેનરો મંદિર બહાર લગાવેલ હોય જેથી પી.ટી.જાડેજાએ મંદિરમાં આરતી ન કરવા સ્વયંમસેવકોને ધમકી આપી બેનરો લઈ લીધા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં નવજયોતપાર્ક શેરી નં 4માં રહેતા જસ્મીનભાઈ ભરતભાઈ મકવાણા નામના વેપારીએ તાલુકા પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે બીગ બજાર પાછળ આવેલ અમરનાથ મંદિરમાં દર સોમવારે મહાઆરતીનું આયોજન થાય છે. ગત.તા.21ના સોસાયટીના લોકો દ્વારા મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવનાર હોય જે બાબતે મંદિર બહાર અમરનાથ યુવા ગ્રુપ દ્વારા આયોજીત મહાઆરતી લખેલુ એક બોર્ડ બેનર લગાડવામાં આવેલ હોય જેથી પી.ટી.એ મને ફોન કરી આરતી ન કરવા ધમકાવેલ હતો.બાદ રાત્રીના ફરિ ફોન કરી કહ્યું કે કાલે મંદિરમાં આરતી કરતા નહીં નહીંતર લોહીયાળ ક્રાંતિ થશે અને હું મંદિરમાં તાળુ મારી દઈશ અને તુ તો હવે મંદિરમાં આવતો જ નહીં તને તો હું જોઈ જ લઈશ અને તુ તો ગ્યો જ છે અને તલવાર લઈને ત્યાંજ બેસીસ કહી મંદીરમાં ન આવવા ધમકી આપેલ હતી.તેમજ મંદીર બહાર લગાડેલ બોર્ડ પણ પોતે કાઢીને લઈ ગયેલ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
જે મામલે તાલુકા પોલીસે પ્રવિણસિંહ ટપુભા જાડેજા (પી.ટી.જાડેજા) સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે ગુનો નોંધી દરમ્યાન ગઈકાલ સાંજે 7 વાગ્યા આસપાસ પી.ટી.જાડેજાની પોલીસે તેના ઘરેથી અટકાયત કરી પોલીસ મથકે લાવવામાં આવતા મોટી સંખ્યામાં સમર્થકો ઉમટયા હતા.પરંતુ પોલીસ કમિશનરના આદેશ બાદ પાસા તળે સાબરમતી જેલમાં ધકેલી દેવાનો આદેશ કરતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પી.ટી. જાડેજાને પાસા હેઠળ સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા છે. ધરપકડના સમાચાર મળતાં જ ક્ષત્રિય સમાજના કાર્યકરો અને આગેવાનો તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા, જેના કારણે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. જોકે ચુસ્ત બંદોબસ્ત હેઠળ તેમને અમદાવાદ ખાતે સાબમરતી જેલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાને લઇને ક્ષત્રિય સમાજ દ્વારા આજે કલેકટરને આવેદનપત્ર પણ આપવામાંન આવનાર છે. રાજકોટ શહેર અને જીલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો સહિતના લોકો બહુમાળીભવન ખાતે એકઠા થઇ અને કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવાનું આયોજન કર્યું છે.
સરકારે કિન્નાખોરી પાસાની કાર્યવાહી કરી છે, ક્ષત્રિય સમાજ જવાબ આપશે: અક્ષિત જાડેજા
સમગ્ર મામલે પી.ટી.જાડેજાના પુત્ર અક્ષિત જાડેજાએ જણાવ્યું હતું કે, ગત તારીખ 3ના રોજ અમને નોટિસ મળી હતી મારા પિતાને તાલુકા પોલીસ સ્ટેશન બોલાવી ત્યારે આવવા માટે કહેવામાં આવ્યું હતું. પિતા તાલુકા પોલીસ સ્ટેશન હાજર થઇ નિવેદન પણ આપ્યું હતું આ પછી તારીખ 4 જુલાઈને શુક્રવારના રોજ નોટિસ આપવામાં આવી હતી. જેમાં 5 જુલાઈને શનિવારે 11 વાગ્યે હાજર થવા જણાવવામાં આવ્યું હતું. જો કે આ પહેલા જ શુક્રવારે રાત્રે અચાનક પોલીસ ઘરે આવી મારા પિતાની અટકાયત કરીને તાલુકા પોલીસ સ્ટેશન લાવી હતી. આ બાબતે પોલીસે પહેલા કોઈ સરખો જવાબ આપી રહી ન હતી અને પછી અચાનક એવું કહ્યું કે પાસા હેઠળ સાબરમતી જેલ મોકલવામાં આવી રહ્યા છે. સામાન્ય ગુનામાં પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા અમારી સાથે કિન્નાખોરી ચોક્કસ રાખવામાં આવી છે હોસ્પિટલ લઇ જવા માટે પણ પરવાનગી આપી ન હતી. સરકાર અમને આમાં ન્યાય નહિ આપે તો આવતા દિવસોમાં ક્ષત્રિય સમાજ બહોળી સંખ્યામાં એકઠો થઇ આનો જવાબ આપશે.