ગાયકવાડીની સગીરા ગુમ થઈ જતાં અપહરણનો ગુનો નોંધાયો
શહેરના ગાયકવાડી વિસ્તારમાંથી 14 વર્ષીય સગીરા ભેદી રીતે ગુમ થઇ જતાં પ્રનગર પોલીસ મથકમાં અપહરણનો ગુનો નોંધાયો છે. પિતાના ઘરે રોકાવા ગયેલી સગીરા રાત્રે દાદી સાથે સુતા બાદ સવારે નહિ મળી આવતા માતાએ ફરિયાદ નોંધાવતા તપાસનો ધમધમાટ શરૂૂ કરવામાં આવ્યો છે.
મૂળ પોરબંદર જિલ્લાના વતની અને હાલ ગાયકવાડી વિસ્તારમાં રહેતી 31 વર્ષીય પરિણીતાએ પ્રનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, હાલ હું મારા બહેનના ઘરે આશરે આઠેક વર્ષથી રીશામણે છું. મારે સંતાનમાં 14 વર્ષ 6 માસની એક દિકરી અને 13 વર્ષનો દીકરો છે. હું તથા મારા પતિ બંન્ને અલગ રહીએ છીએ.
મારા પતિ ગાયકવાડીમાં રહે છે. આશરે બે મહીના પહેલા મારી દિકરી પતિને ત્યાં રોકાવા ગયેલ હતી. ગત રાત્રે સગીરા તેના દાદી સાથે સુતા બાદ સવારે ઘરમાં ન હોય જેથી ગુમ થઈ જતાં પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેનો કોઈ પત્તો નહીં લાગતાં પ્ર.નગર પોલીસમાં જાણ કરતાં પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.