કાજલ હિંદુસ્તાનીને મારી નાખવાની ધમકી
કોંગ્રેસના નેતા સામે ફરિયાદ આપી છતાં પોલીસે નહીં લીધાનો આક્ષેપ, ભાજપના નેતાઓનું સમર્થન હોવાના આરોપથી ખળભળાટ
હિંદુવાદી સામાજીક કાર્યકર અને વિવાદાસ્પદ વકતા કાજલ હિંદુસ્તાનીને મારી નાખવાની ધમકી મળ્યાની ઓનલાઇન ફરીયાદ નોંધાતા અને કોંગ્રેસના નેતા સામે આક્ષેપ કરતા ભારે ચકચાર જાગી છે.
સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાનીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ઉલ્લેખીને ઓનલાઇન ફરિયાદ કરી છે.
ટ્વીટર પોસ્ટનાં માધ્યમથી કાજલ હિન્દુસ્થાનીએ પોતાની ફરિયાદમાં ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે ફરિયાદમાં ગુજરાત કોંગ્રેસનાં એક નેતાને ગુંડા તરીકે સંબોધીને લખ્યું કે, ગુજરાત કોંગ્રેસનાં કેટલાંક નેતાઓએ મને જાનથી મારવાની ધમકી આપી છે. કોંગ્રેસનાં આ નેતાઓને ભાજપનાં નેતાઓનું પણ સમર્થન છે.
કાજલ હિન્દુસ્થાનીએ પોતાની ફરિયાદમાં જામનગર એસપી અને જામનગર ક્રાઈમબ્રાંચનાં પીઆઇ પર પણ ગંભીર આરોપ લગાવ્યો છે. ફરિયાદ પછી પણ જામનગર પોલીસે હજું સુધી કોઈ પગલાં નથી ભર્યાનો તેમણે આક્ષેપ કર્યો છે. છેલ્લા 5 મહિનાથી જામનગર પોલીસ એફઆઇઆર નહીં લઈ રહ્યાનો પણ આક્ષેપ કરાયો છે. કાજલ હિન્દુસ્થાનીએ લખ્યું કે, જો મારી હત્યા થઈ જશે તો જવાબદાર કોણ ? આ અંગે જલદી કાર્યવાહી થાય તેની માગ કાજલ હિન્દુસ્થાનીએ પોતાની ફરિયાદમાં કરી છે. કાજલ હિન્દુસ્થાનીની આ ઓનલાઇન ફરિયાદ બાદ અનેક ચર્ચાઓ વેગવંતી થઈ છે. આખરે ગુજરાત કોંગ્રેસનાં કયાં નેતાની વાત કાજલ હિન્દુસ્થાનીએ કરી છે. ગુજરાત કોંગ્રેસનાં કયાં નેતાઓએ કાજલ હિન્દુસ્થાનીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે ? સહિતનાં સવાલો થઈ રહ્યા છે.