જૂનાગઢ: MLAના નકલી મદદનીશે 50 લાખ પડાવ્યા
જૂનાગઢમાં એક ચોંકાવનારો છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદના એક ઠગ દંપતીએ પોતાને એમએલએના પીએ તરીકે ઓળખાવી જૂનાગઢના એક તબીબ દંપતી પાસેથી સરકારી નોકરી અને કોન્ટ્રાક્ટરના નામે છેતરપિંડી કરી 49.34 લાખ પડાવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવની વિગતો મુજબ, જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં જય સરદાર ટ્રસ્ટ દાંતની હોસ્પિટલ ચલાવતા ડો. રાજેશભાઈ ભાખર અને તેમની પત્ની શિલ્પાબેનનો પરિચય અમદાવાદના નિકોલમાં હેતા રવિ ઉર્ફે રોહિત હરિભાઈ ચોવટીયા અને તેમની પત્ની પ્રજ્ઞાબેન સાથે થયો હતો. રવિએ ડો. ભાખર અને તેમની પત્નીનો વિશ્વાસ જીતવા માટે પોતે એક ધારાસભ્યનો પીએ (પર્સનલ આસિસ્ટન્ટ) હોવાનું જણાવ્યું હતું. આ ઓળખનો લાભ ઉઠાવી રવિએ ડો. રાજેશભાઈને દિલ્હી હાઈવે કોરિડોર પર ઝાડ ઉછેરવા માટેનો સરકારી કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપી હતી. આ સાથે જ, તેની પત્ની શિલ્પાબેનને ગાંધીનગર સચિવાલયમાં ક્લાર્કની નોકરી અપાવવાનું વચન પણ આપ્યું હતું. આ મોહક લાલચમાં તબીબ દંપતી ફસાઈ ગયું હતું.
છેતરપિંડીનો આ સિલસિલો 2 ઓક્ટોબર, 2023થી 30 જૂન, 2024 સુધી, એટલે કે લગભગ નવ મહિના સુધી ચાલ્યો. આ સમયગાળા દરમિયાન આરોપી દંપતીએ તબીબ દંપતી પાસેથી ઓનલાઈન ટ્રાન્સફર, રોકડ અને આંગડિયા મારફતે તબક્કાવાર કુલ રૂૂ. 50.08 લાખ મેળવી લીધા હતા. ઠગ દંપતીએ તબીબ દંપતીનો સંપૂર્ણ વિશ્વાસ જીતવા માટે એક વધુ તરકીબ અપનાવી હતી. તેમણે શિલ્પાબેનને નોકરી લાગી ગઈ છે તેમ કહી ત્રણ મહિના સુધી પગાર પેટે રૂૂ. 73,500 પણ આપ્યા હતા. આનાથી તબીબ દંપતીને પાકું થઈ ગયું કે તેમનું કામ થઈ જશે.
લાંબો સમય વીતી ગયા બાદ પણ નોકરી કે કોન્ટ્રાક્ટ ન મળતાં તબીબ દંપતીને શંકા ગઈ. આખરે તેમને સમજાયું કે તેઓ મોટી ઠગાઈનો ભોગ બન્યા છે. આથી, શિલ્પાબેન રાજેશભાઈ ભાખરે જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી દંપતી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ કુલ રૂૂ. 49.34 લાખની ઠગાઈ આચરી છે.