જૂનાગઢ જિલ્લા પંચાયતના નાયબ ઇજનેરની લાંચ લેતા ફિલ્મ ઉતરી ગઇ
જૂનાગઢ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વિકાસના કાર્યોમાં ભ્રષ્ટાચારનું કલંક લાગ્યું છે. જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગમાં નાયબ કાર્યપાલક ઈજનેર દર્શન સાવલિયા લાંચ લેતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે.
આ ઘટનાએ સરકારી કચેરીઓમાં ચાલતી ગેરરીતિઓ અને લાંચિયા બાબુઓની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
મળતી માહિતી અનુસાર, જુનાગઢના વેકરી ગામના સરપંચ વીરાભાઈ ખોડભાયાએ ગામના વિકાસ માટે ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ કરાવ્યું હતું. આ કામનું બિલ પાસ કરાવવા માટે જ્યારે તેઓ સિંચાઈ વિભાગની કચેરીએ પહોંચ્યા, ત્યારે નાયબ કાર્યપાલક ઈજનેર દર્શન સાવલિયાએ તેમની પાસેથી રૂૂપિયા 5000ની લાંચ માંગી હતી. સરપંચ વીરાભાઈ ખોડભાયા પ્રામાણિક હોવાથી તેમણે લાંચ આપવાનો ઇનકાર કર્યો અને આ ભ્રષ્ટ અધિકારીને રંગે હાથ પકડવાનો નિર્ણય કર્યો હતો.
વધુમાં, સરપંચ વીરાભાઈ ખોડભાયાએ આ સમગ્ર ઘટનાનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. તેમણે ગુપ્ત રીતે એક કેમેરામાં સાવલિયાની લાંચ લેવાની પ્રક્રિયાને કેદ કરી લીધી હતી.
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દર્શન સાવલિયા સરપંચ પાસેથી રૂૂપિયા 4000ની લાંચ સ્વીકારી રહ્યા છે. આ સ્ટિંગ ઓપરેશનના કારણે સરકારી કચેરીઓમાં ચાલતી ગેરરીતિઓનો પર્દાફાશ થયો છે.