સોની બજારમાં આસિસ્ટન્ટ લેકચરરના મકાનમાંથી 3.77 લાખના દાગીનાની ચોરી
શહેરમાં એક મકાન અને એક ફલેટમાંથી તસ્કરો રૂૂા.5.20 લાખની મત્તાની ચોરી કરી ગયા હતા.જેને કારણે પોલીસની નિષ્ક્રિયતા છતી થઈ છે. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તસ્કરોની ઓળખ મેળવવા તપાસનો દોર જારી રાખ્યો છે.
વધુ વિગતો મુજબ,સોની બજારના જૂની ગધીવાડમાં રહેતાં મલેકાબેન સૈફુદીનભાઈ વ્હોરા (ઉ.વ.61) પાર્ટ ટાઈમ આસિસ્ટન્ટ લેકચરર તરીકે નોકરી કરે છે.બપોરે 2.30 વાગ્યે ચૌધરી હાઈસ્કૂલ પાસે આવેલા કલાસમાં કોચિંગ માટે ગયા હતા.જયાંથી રાત્રે 9.30 વાગ્યે પગપાળા ઘરે પહોંચીને જોયું તો બેડરૂૂમના કબાટમાંથી રૂૂા.3.77 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના ગાયબ હતા. તત્કાળ ભાઈ શબ્બીરને જાણ કરી હતી. તપાસ કરતાં મકાનની પાછળની દિવાલ તરફથી તસ્કરે આવી ચોરી કર્યાનું જાણવા મળ્યું હતું. આ અંગે એ-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સરદારનગર મેઇન રોડ પર સિલ્વર ગોલ્ડ એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલા ફલેટમાંથી સવારના સમયે તસ્કરો ત્રણ મોબાઈલ ફોન વગેરે મળી કુલ રૂૂા. 1.37 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયાની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.ફરિયાદમાં ખુશમીત મનોજભાઈ બારાઈ (ઉ.વ.23)એ જણાવ્યું છે કે તે ગિરીરાજ હોસ્પિટલમાં આઈટી હેડ તરીકે નોકરી કરે છે.
માતા સોનિયાબેન તપસ્વી ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષિકા છે.ગઇકાલે સવારે 6.30 વાગ્યે તે સૂતો હતો ત્યારે માતા નોકરીએ જવા રવાના થયા હતા તે પહેલા તેને જગાડીને ફોન ચાર્જિંગમાં મૂક્યાનું કહ્યું હતું.દરવાજાને લોક કર્યા વગર માતા નોકરી પર જતા રહ્યા હતાં. સવારે પોણા નવેક વાગ્યાની આસપાસ તેણે ઉઠીને જોયું તો ઘરમાંથી એક આઈફોન સહિત ત્રણ મોબાઈલ ફોન, સોનાની વીટી, એર બર્ડસ, આઈવોચ ગાયબ હતા.મિત્ર ચંદ્રેશ તેના ઘરે રોકાયો હતો. જે બીજા રૂૂમમાં સૂતો હતો. તેને પણ કોણ ચોરી કરી ગયું તેની જાણ થઈ ન હતી.