જસદણના ખડવાવડી ગામે દારૂનું કટિંગ ચાલુ હતુ ત્યારે પોલીસ ત્રાટકી : બે શખ્સો ઝડપાયા
રાજકોટ જિલ્લામાં દારૂના ધંધાર્થીઓએ ફરી માથુ ઉચક્યું છે. શ્રાવણમાસના તહેવારો નજીક આવી રહ્યા છે.
ત્યારે બહારના રાજ્યમાંથી મોટાપાયે દારૂનો જથ્થો મગાવવામાં આવી રહ્યો છે ત્યારે ગઈકાલે રાત્રે જસદણના ખડવાવડી ગામની સીમમાં સરકારી ખરાબામાં વિેદેશી દારૂનું કટીંગ ચાલતુ હોવાની બાતમી પરથી ભાડલા પોલીસે દરોડો પાડી 1 લાખની કિંમતનો વિદેશી દારૂ, બીયર અને કાર મળી કુલ 1.69 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે એક શખ્સ અંધારાનો લાભ લઈ નાશી ગયો હતો.
જસદણના ખડવાવડી ગામે સરકારી ખરાબામાં ચાલતા દારૂના કટીંગ પર મોડીરાત્રે પોલીસે દરોડો પાડી જુદી જુદી બ્રાન્ડની 1,00,800ની કિંમતની 846 બોટલ વિદેશી દારૂ, 4,800ની કિંમતની 48 બિયર અને મારૂતિકાર અને ત્રણ મોબાઈલફોન મળી 1.69.600ના મુદ્દામાલ સાથે ખડવાવડી ગામના પ્રકાશ વાઘજી મકવાણા, સંદીપ રવજી મકવાણાની પોલીસે ધરપકડ કરી હતી.
જ્યારે કિરણ કલાભાઈ મકવાણા અંધારાનો લાભ લઈ નાશી છુટ્યો હતો.
જેતપુરના રૂપાવટી રોડ ઉપર આવેલ ત્રાકુડિયાપરા વિસ્તારમાં પોલીસે ચોક્કસ બાતમીના આધારે મકાનમાં છાપો મારી રૂા. 41,840ની કિંમતની 69 બોટલ વિદેશી દારૂ અને મોબાઈલફોન સહિત હાર્દિક જયંતિભાઈ ગોહિલની એલસીબીએ ધરપકડ કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો તે મુદ્દે પુછપરછ હાથ ધરી છે.