જામનગર SOGના કોન્સ્ટેબલ 1 લાખની લાંચ લેતા ઝડપાયો, PSI અને રાઈટર ફરાર
ઉદ્યોગનગર પોલીસ ચોકીના પીએસઆઈ અને રાઈટરે અરજીના કામે હેરાન નહીં કરવા લાંચ માંગી હતી : લાંચ લેવા ગયેલા એસઓજીના કોન્સ્ટેબલને ઝડપી લેતી એસીબી
જામનગરના જકાતનાકા પાસે સમર્પણ સર્કલ નજીક એસઓજીના કોન્સ્ટેબલને રૂા.1 લાખની લાંચ લેતા રાજકોટ એસીબીની ટીમે રંગે હાથ ઝડપી લીધો હતો. જામનગરની ઉદ્યોગનગર પોલીસ ચોકીના પીએસઆઈ અને રાઈટર વતી એસઓજીનો કોન્સ્ટેબલ લાંચ લેવા આવ્યો હતો. અરજીના કામે ફરિયાદીને હેરાન નહીં કરવા માટે રૂા.1 લાખની લાંચ માંગવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
મળતી વિગતો મુજબ, જામનગરના સમર્પણ સર્કલ નજીક પંચાયત કાફે રેસ્ટોરન્ટ પાસે એસીબીની ટીમે એક લાખની લાંચ લેતાં એસઓજીનાં કોન્સ્ટેબલ રવિ ગોવિંદભાઈ શર્માને રંગેહાથ ઝડપી લીધો હતો. લાંચ લેતાં ઝડપાયેલ એસઓજીનાં કોન્સ્ટેબલ રવિ શર્માએ જામનગરના ઉદ્યોગનગર પોલીસ ચોકીના પીએસઆઈ આર.ડી.ગોહિલ અને રાઈટર ધમભાઈ બટુકભાઈ મોરી વતી એક લાખની લાંચ લેવા આવ્યો અને એસીબીના હાથે ઝડપી ગયો હતો.
જામનગરના સીટી-સી ડીવીઝનની ઉદ્યોગનર ચોકીમાં એક અરજી થઈ હોય જે અરજીના કામે ફરિયાદી સામે ચીટીંગ બાબતની અરજીમાં હેરાન નહીં કરવા અને ભવિષ્યમાં અન્ય કોઈ અરજી આવે તો જાણ કરવા માટે ફરિયાદીએ એસઓજીના કોન્સ્ટેબલ રવિ શર્માનો સંપર્ક કરતાં ઉદ્યોગનગર પોલીસ ચોકીના પીએસઆઈ આર.ડી.ગોહિલ અને રાઈટર ધમભાઈ મોરી વતી વહીવટની વાત કરીને 50 હજારની લાંચ માંગી હતી. ત્યારબાદ રકજકના અંતે રૂા.એક લાખની લાંચ રકમ માંગવામાં આવી હોય પીએસઆઈ અને રાઈટર વતી એસઓજીનો કોન્સ્ટેબલ એક લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઈ ગયો હતો. રાજકોટ એસીબીના ઈન્ચાર્જ મદદનીશ નિયામક જે.એમ.આલના સુપરવીઝન હેઠળ એસીબીની ટીમે કામગીરી કરી હતી.