જામનગરના વેપારી વ્યાજખોરની ચૂંગાલમાં ફસાઈ જતાં ઝેરી દવા પીધી
બે લાખ રૂપિયા માસિક 20 ટકાના વ્યાજે લીધા બાદ 1 લાખ વ્યાજ ચૂકવી દેવા છતાં પઠાણી ઉઘરાણી
જામનગર શહેરમાં વ્યાજના વિષ ચક્ર માં વધુ એક મેમણ વેપારી ફસાયા છે, અને વ્યાજખોરના ત્રાસના કારણે જંતુનાશક પ્રવાહી પી લેવાનો વારો આવ્યો છે, અને હાલ સારવાર હેઠળ છે. માસીક 20 ટકા ના વ્યાજે બે લાખ રૂૂપિયા લીધા બાદ 1,00,000 રૂૂપિયા જેટલું માતબર વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં પઠાણી ઉઘરાણી કરાતાં મેમણ વેપારીએ ઓલ આઉટ પ્રવાહી પી લીધું હોવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે, અને વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં મોરકંડા રોડ પર રબાની પાર્ક શેરી નંબર પાંચમાં રહેતા અને જામનગરમાં લેડીસ પર્ષ નો વેપાર કરતા જેનુલભાઈ ઓસમાણભાઈ રાજકોટિયા નામના મેમણ વેપારીએ ગઈકાલે રાતે હવાઈચોક વિસ્તારમાં ઓલ આઉટ નામનું ઝેરી પ્રવાહી પી લેતાં અર્ધ બેભાન થઈ જવાથી તેને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાં ફરજ પરના તબીબે તેઓની પ્રાથમિક સારવાર કરી લેતાં તેની તબિયતમાં હાલ સુધારો થયો છે, અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગેની પોલીસને જાણ થતાં સીટી એ. ડિવિઝનના એએસઆઈ એચ. આર. બાબરીયા હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને તેનું નિવેદન નોંધ્યું હતું. જેમાં પોતે વ્યાજખોરની ચુંગાલ માં ફસાયા હોવાની જાણ કરી હતી.
જામનગર ના ગરીબ નવાજ પાર્ક વિસ્તારમાં રહેતા સમીર અન્સારી પાસેથી પોતાના ધંધાની જરૂૂરિયાત માટે આજથી આઠ મહિના પહેલા બે લાખ રૂૂપિયા વ્યાજે લીધા હતા, અને તેનું માસિક 20 ટકા લેખે વ્યાજ ચૂકવવાનું શરૂૂ કર્યું હતું. જેના પાંચ મહિનાના 20,000 રૂૂપિયા લેખે 1 ,લાખ વ્યાજની ચુકવણી કરી દીધી હતી. પરંતુ હાલ ધંધો સારો ચાલતો ન હોવાથી છેલ્લા બે મહિનાથી વ્યાજ ચૂકવવાનું બંધ કર્યું હતું, જેથી આરોપી સમીર અન્સારી ઉસકેરાયો હતો, અને ગઈકાલે ધાકધમકી આપી હતી, અને પઠાણી ઉઘરાણી કરી મુદ્દલ અને વધુ વ્યાજ નહીં આપે તો પતાવી નાખશે તેવી ધમકી આપતાં ડરના માર્યા અને આર્થિક પરિસ્થિતિ બરાબર ન હોવાથી ગઈકાલે ઓલ આઉટ પ્રવાહી પી લીધું હતું. પોલીસે તેની ફરિયાદના આધારે આરોપી સમીર અન્સારી સામે મની લેન્ડર્સ એકટ ની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, અને તેની શોધ ખોળ હાથ ધરી છે.