જામજોધપુર સાઢુભાઈની પુત્રીના લગ્નમાં જતાં ગેમઝોન સંચાલકના થેલામાંથી ચાલુ ટ્રેનમાં ચોરી
દંપતીએ ગોંડલ આવતા પાણી પીવા થેલો ખોલ્યો ત્યારે જાણ થઈ: સોનાના દાગીના અને રોકડ મળી 87 હજાર ગઠિયો તફડાવી ગયો
અમદાવાદમાં રહેતાં ગેમઝોન સંચાલક તેની પત્ની સાથે જામજોધપુર સાઢુભાઈની પુત્રીના લગ્નમાં જતાં હતાં ત્યારે ચાલુ ટ્રેનમાં તેમના થેલામાંથી સોનાના દાગીના અને રોકડ મળી 87 હજારની મત્તાનું પર્સ ચોરાઈ ગયાની ફરિયાદ રેલવે પોલીસ મથકમાં નોંધાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં નિલકંઠ હાઈટસમાં રહેતાં અને ગેમઝોન ચલાવતાં રમેશભાઈ મુળજીભાઈ માકડીયા (ઉ.56)એ રેલવે પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ ગત તા.3-6નાં રોજ અમદાવાદથી ગાંધીનગર-વેરાવળ ટ્રેનમાં રાજકોટ આવ્યા હતાં અને જામજોધપુરમાં તેના સાઢુભાઈની દીકરીના લગ્ન હોવાથી તેઓ રાજકોટ એક દિવસ રોકાયા બાદ તા.4નાં રોજ ભક્તિનગર રેલવે સ્ટેશનેથી જામજોધપુર જવા ટ્રેનમાં બેઠા હતાં અને તેમની પાસે એક થેલો હોય જેમાં સફેદ કલરનું પર્સ લાખેલું હતું જે પર્સમાં પત્નીનું સોનાનું પેન્ડલ, સોનાનો ચેઈન અને રોકડા રૂા.10800 કુલ 87,365ની મતા રાખેલી હતી. જે થેલો તેમની પત્ની પાસે રાખ્યો હતો. દરમિયાન ટ્રેન ગોંડલ પહોંચતાં પાણી પીવા માટે થેલો ખોલતાં તેમાં દાગીના અને રોકડ ભરેલું પર્સ જોવામાં ન આવતાં તેમણે આજુબાજુમાં તપાસ કરી હતી.
પરંતુ આ પર્સ કયાંય મળી ન આવતાં ચોરી થયાનું જણાયું હતું. જો કે તેમના સાઢુભાઈની પુત્રીનાં લગ્ન હોવાથી તેઓ લગ્ન પતાવી બાદમાં આજે રાજકોટ રેલવે પોલીસ મથકે દોડી આવ્યા હતાં અને આ અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી પીએસઆઈ બી.જે.જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.