પ્રેમસંબંધમાં જન્મ થતા નિષ્ઠુર જનેતાએ જ ફૂલ જેવી નવજાત બાળકીને દટાવી હોવાનો ઘટસ્ફોટ
સુરેન્દ્રનગર જિલ્લામાં રાક્ષસને પણ શરમાવે એવું માણસે કરેલું કૃત્ય સામે આવ્યું હતું. માતાએ ત્રણ લોકો સાથે મળીને 3 દિવસની બાળકી જંગલમાં દાટી હતી. જે અડધી દાટેલી હાલતમાં જીવિત મળતાં ચકચાર મચી હતી. ધ્રાંગધ્રાના હરિપર ગામની સીમમાં માલધારી પશુ ચરાવવા ગયા ત્યારે બાળકનો અવાજ સાંભળતાં તેઓ નજીક ગયા તો જમીન પરનાં દૃશ્ય જોઈ હચમચી ગયા હતા. માસૂમ બાળકી જમીનમાં અડધી દાટેલી હાલતમાં હતી. આ દૃશ્ય જોઇ માલધારીએ જાણ કરતાં અન્ય લોકો દોડી આવ્યા અને બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જોકે નિષ્ઠુર જનેતા બાળકીને જીવતી રાખવા માગતી હોય એ રીતે બાળકી શ્વાસ લઈ શકે એ માટે મોં જમીન બહાર રાખ્યું હતું અને બાકીનાં અંગો દાટી દીધાં હતાં. આ બનાવમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. લગ્ન વગર પ્રેમ સબંધમાં બાળકીનો જન્મ થતાં બાળકીની માતા પાડોશી મહિલા સાથે રોડ પર બેઠા હતા અને માસુમ બાળકીની નાની પાડોશી સાથે માસુમને જીવતી દાટવા જંગલમાં ગયા હતા. આ ચકચારી કેસમાં ધ્રાંગધ્રા તાલુકા પીઆઇ ડી.ડી.જાડેજા દ્વારા ત્રણ આરોપીઓને ઝબ્બે કર્યા જયારે માસુમ બાળકીની માતાની તબિયત સારી ન હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી અટકાયત કરવાની બાકી છે.
આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ ડી.ડી.જાડેજાએ જણાવ્યું હતું કે, આ કેસમાં ત્રણ આરોપીઓ છે જેમાં પાડોશી હરજી રામસિંગભાઈ સરવાડીયા ( જાતે-ચું.કોળી, ઉ.વ.42 રહે-ઇસદ્રા તા.ધ્રાંગધ્રા), નવજાત બાળકીની નાની મંજુબેન સવજીભાઈ મુલાડીયા (જાતે-ચું.કોળી, ઉ.વ.39 રહે-વાવડી તા.ધ્રાંગધ્રા) અને પાડોશી પિલુબેન બાબુભાઈ ભુદરભાઈ થરેશા જાતે-દેવીપૂજક, ઉ.વ.59 રહે-વાવડી તા.ધ્રાંગધ્રા)ની અટક કરવામાં આવી છે. આ કેસમાં મંજુબેન તથા હરજી આ નવજાત શિશુ બાળકીને જંગલમાં દાટવા માટે ગયા હતા. જ્યારે આ માસુમ નવજાત બાળકીની માતા સંગીતા સવજીભાઈ તથા પીલુબેન દેવીપૂજક રોડ ઉપર બેઠા હતા. આ કેસમાં ત્રણ આરોપીઓની અટક કરી લેવામાં આવી છે. જ્યારે માસુમ બાળકીની માતા સંગીતાબેનની તબિયત સારી ન હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી અટક કરવાના બાકી છે.