રીબડા પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરનાર શાર્પ શુટરોને પકડવા યુપી અને એમપી તરફ તપાસ
ફાયરિંગ કરવા માટે સોપારી આપનાર હાર્દિકસિંહના આશ્રય સ્થાનો ઉપર શહેર અને ગ્રામ્ય પોલીસના દરોડા
રીબડામાં અનિરૂૂધ્ધસિંહના ભત્રીજાના જયદીપસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરીંગની ઘટનામાં હત્યાના ગુનામાં જેલ માં રહેલા અને હાલ પેરોલ જમ્પ કરી ફરાર હાર્દીકસિહ હરિશ્ચંદ્રસિંહ જાડેજાએ બિન્દાસ વિડીયો મુકી ફાયરીંગની જવાબદારી સ્વીકાતા કહ્યું કે આ તો ટ્રેલર છે હુ ઘર પર પણ ફાયરીંગ કરાવી શકયો હોત.પોલીસનો કોઈ ડર જ ન હોય તેણે વિડીયોમાં રાજદિપસિંહ અને પીન્ટુ ખાટડીની હત્યાની ધમકી આપતા પોલીસમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાની લઇને રાજકોટ ગ્રામ્ય અને શહેર પોલીસની ટીમ એલર્ટ થઇ છે અને ફાયરીંગ કરનાર બન્ને શાર્પશૂટર અને સોપારી આપનાર હાર્દિકસિંહને પકડવા 15થી વધુ ટીમો સક્રિય થઇ છે. બન્ને શાર્પશૂટરોને પકડવા ત્રણ ટીમો ઉતરપ્રદેશ અને મધ્યપ્રદેશ પહોચી છે.
આ મામલે રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં રહેતા અને રીબડા ગામે આવેલ અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા પેટ્રોલપંપ ઉપર ફ્લિરમેન તરીકે નોકરી કરતા જાવેદભાઈ રહીમભાઈ ખોખરે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે. 24/07/2025 ની રાત્રીના એકાદ વાગ્યાની આસપાસ બાઈક ઉપર આવેલ બે બુકાનીધારી શખ્સોએ ઓફીસના કાચ ઉપર ફાયરીંગ કર્યું હતું. ઓફીસના બહારના ભાગે કારતુસનું એક ખાલી ખોખુ મળી આવ્યું હતું.
આ ઘટના બાદ હાર્દિકસિંહ જાડેજા નામના શખ્સે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો પોસ્ટ કરીને હુમલાની જવાબદારી સ્વીકારી હતી. હાર્દિકસિંહ જાડેજા નામના શખ્સે પોસ્ટ કરેલા વીડિયોમાં હજી તો આ ટ્રેલર છે, હજુ ઘર ઉપર પણ ફાયરિંગ કરાવી શકતો હતો પણ તમે બંને(અનિરુદ્ધસિંહ - રાજદીપસિંહ) બંને ફરાર છો એટલે ઘર પર ફાયરિંગ ન કરાવ્યું. વધુમાં રાજદીપસિંહ અને પીન્ટુભાઈ ખાટડી તમને બંનેને મરાવી જ નાખીશ તેવી ધમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. હાર્દિકસિંહે રાજદીપસિંહને બેફામ ગાળો ભાંડી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ફાયરિંગની જવાબદારી સ્વીકારનાર હાર્દિકસિંહ હરિશ્ચંદ્રસિંહ જાડેજા ધોરાજી પાસે આવેલા અડવાળ ગામનો વતની હોવાનું સામે આવ્યું છે.
તે ત્રણ વર્ષ પૂર્વે રાજકોટના અમીન માર્ગ ઉપર તેના જ મિત્રની હત્યાના ગુનામાં પકડાઈ ચુક્યો હોય અને તે 10 માસ પૂર્વે પેરોલ મેળવી ફરાર થઈ ગયો હતો. ફાયરિંગની જવાબદારી સ્વીકારનાર હાર્દિકસિંહ જાડેજાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો મુક્યો હતો. ક્ષત્રિય સમાજના આગેવાન ધર્મેન્દ્રસિંહ રાણા ઉર્ફે પીન્ટુભાઇ ખાટડીના પુનિતનગર વિસ્તારમાં આવેલ મકાનનો ફોટો મૂકી પિન્ટુ તારા ઘરની ફૂલ રેકી થઈ ગઈ છે. હવે તારો વારો છે, તું નહિ મળે તો તારા ઘરના માર ખાશે, તું જો., તેવી ધમકી સોશિયલ મીડીયામાં આપવામાં આવી હતી.
હાર્દિકસિંહ જાડેજા અને ફાયરીંગ કરનાર બન્ને શાર્પશૂટરને પકડવા રાજકોટ ગ્રામ્ય એલસીબી, એસઓજી અને ગોંડલ તાલુકા પોલીસની 10 જેટલી ટીમો તેમજ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ, એસઓજી અને પેરોલફર્લોની પાંચ ટીમો મળી કુલ 15 જેટલી ટીમ તપાસ કરી રહી છે. રીબડા પેટ્રોલપંપ ઉપર ફાયરીંગની ઘટનામાં સામેલ બન્ને શાર્પશૂટર મધ્યપ્રદેશ અને ઉતરપ્રદેશ તરફ ના હોવાની માહિતીને આધારે રાજકોટ ગ્રામ્ય પોલીસની ત્રણ ટીમ યુપી અને એમપી દોડી ગઈ છે. બીજી તરફ સોપારી આપનાર અને પેરોલ ઉપર ફરાર હાર્દિકસિંહને પકડવા રાજકોટ પોલીસની અલગ અલગ ટીમે તેના આશ્રયસ્થાનો ઉપર દરોડા પાડ્યા હતા.