નાગેશ્ર્વર પાસે ઝૂંપડપટ્ટીમાંથી ત્રણ વર્ષની દીકરીને માતા લઇ ગયાનું તપાસમાં ખુલ્યુ
નાગેશ્વર બસ સ્ટેન્ડ પાસે ઝુંપડામાં રહેતા રમેશભાઈની ત્રણ વર્ષની જાગુનું અપહરણ થયાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. તપાસમાં જાગુનું અપહરણ નહીં થયાનું અને તેની માતા સંગીતા જ તેને લઈ ગયાનું બહાર આવ્યું છે. જો કે શરૂૂઆતમાં જ સંગીતા જ જાગુને લઈ ગયાની શંકા હતી.
આમ છતાં ગાંધીગ્રામ પોલીસે જાહેર કર્યું છે કે આ બનાવનો ભેદ ઉકેલવા માટે આઈ-વે પ્રોજેક્ટના અલગ-અલગ સીસીટીવી કેમેરા જોયા હતાં. બાતમીદારોને પણ કામે લગાડ્યા હતાં. જે દરમિયાન જાગુને લઈ એક મહિલા માધાપર ચોકડીએ ઉભી હોવાની માહિતી મળી હતી. તપાસ કરતાં જાગુ સાથે તેની માતા સંગીતા મળી હતી.જે વિસેક દિવસ પહેલા પતિથી અલગ થઇ પ્રેમી સાથે જતી રહી હતી. ત્યાર પછી તેને એવું લાગ્યું કે જાગુ વગર રહી શકે તેમ નથી.
પરિણામે ગઈ તા. 10ના રોજ મોડી રાત્રે એકલી પતિના ઝુંપડા પાસે જઈ જાગુને લઈ જતી રહી હતી.પોલીસ સૂત્રો માંથી જાણવા મળ્યું છે કે,આ કિસ્સો હવે અપહરણનો રહ્યો નથી.એટલે સંગીતા સામે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે.