પડધરીમાં કબ્રસ્તાનની ઓરડીમાંથી ભિક્ષુકની ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળી: હત્યાની આશંકા
મૃતક યુવાનના માથાના ભાગે ઇજાના નિશાન મળતા ફોરેન્સીક પોસ્ટમોર્ટમ; તપાસનો ધમધમાટ
પડધરીમા આવેલા કબ્રસ્તાન બહાર ભીક્ષાવૃતી કરતા યુવકની કબ્રસ્તાનની ઓરડીમાથી ઇજાગ્રસ્ત હાલતમા લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. મૃતક યુવકને માથાનાં ભાગે ઇજાનાં નિશાન જોવા મળતા પોલીસે હત્યાની શંકાનાં આધારે યુવકનાં મૃતદેહની ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ ખસેડયો છે અને ગુનાનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ પડધરીમા આવેલ કબ્રસ્તાન બહાર ભીક્ષાવૃતી કરતા દાદુશા અનવરશા શાહમદાર નામનાં 43 વર્ષનાં યુવકની કબ્રસ્તાનની ઓરડીમા લાશ પડી હોવાની માહીતી મળતા પડધરી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક કબ્રસ્તાન ખાતે દોડી ગયો હતો. પોલીસે તપાસ કરતા મૃતક યુવકનાં માથાનાં ભાગે ઇજાનાં નિશાન જોવા મળ્યા હતા. પ્રાથમીક દ્રષ્ટિએ અજાણ્યા શખ્સોએ યુવકને માથાના ભાગે તિક્ષ્ણ હથીયાર અથવા બોથડ પદાર્થ વડે માર મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાની પોલીસને શંકા જતા યુવકનાં મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. પ્રાથમીક તપાસમા મૃતક યુવાન કબ્રસ્તાન બહાર ભીક્ષાવૃતી કરી પોતાનુ ગુજરાન ચલાવતો હતો. મૃતક દાદુશા શાહમદારનો કબ્રસ્તાનની ઓરડીમા મૃતદેહ પડયો હોવાની જાણ થતા લોકોનાં ટોળા અને પડધરી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતક યુવકનાં માથાનાં ભાગે ઇજાનાં નિશાન હોવાથી પોલીસે દાદુશા શાહમદારની હત્યા થયાની શંકાએ તપાસનો દોર લંબાવ્યો છે અને ઘટનાનો ભેદ ઉકેલવા તપાસનાં ચક્રો ગતીમાન કર્યા છે.