ભારત-પાક. મેચ પર 1 હજાર કરોડનો સટ્ટો રમાયો
મોટાભાગના પંટરોએ ભારત ઉપર દાવ લગાવ્યો હોવાથી બુકીઓ ધોવાયા
ચેમ્પિયન ટ્રોફીમાં ભારત-પાકીસ્તાન વચ્ચે રમાયેલ વન-ડે મેચ ઉપર એકલા ગુજરાતમાં જ રૂા.એક હજાર કરોડનો સટ્ટો ખેલાયો હોવાનું જાણવા મળ્યું છે. બુકીઓના કહેવા મુજબ પંટરો ભારતને જ ફેવરીટ માનતા હોવાથી 80 ટકાથી વધુ પંટરોએ ભારત ઉપર જ દાવ લગાવ્યો હોવાથી બુકીઓ ધોવાઇ ગયા છે.
ભારત-પાક. મેચને લઇ પહેલેથી જ સ્થળના વિવાદોને લઇ ક્રિકેટ રસીયાઓમાં ભારે ઉત્સાહ અને ઉત્કંઠા જોવા મળ્યા હતા. જેના કારણે ભારત ઉપર મોટાભાગના પંટરોએ દાવ લગાવ્યો હતો. ખાસ કરીને મોટા બુકીઓનું ગુજરાતમાં નેટવર્ક મજબુત હોવાથી ગુજરાતી પંટરોએ એકાદ હજાર કરોડનો સટ્ટો લગાવ્યો હતો.
ભારત-પાક. મેચ દુબઇમાં રમાઇ હતી અને ભારતના મોટાગજાના બુકીઓએ પણ હાલ દુબઇમાં જ પડાવ નાખ્યો છે અને ત્યાંથી જ ક્રિકેટની સટ્ટાબાજીનું રેકેટ ચલાવી રહ્યા છે. ભારતભરમાં આ બુકીઓએ ઓનલાઇન આઇડીનું નેટવર્ક પાથર્યું છે.
ગુજરાતના મોટા બુકીઓ છેલ્લા ઘણા સમયથી દુબઈથી ઓપરેટ કરી રહ્યા છે. બે દિવસ પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલે નરોડામાંથી ઓનલાઈન સટ્ટાબાજી કરતા એક બુકીની ધરપકડ કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે સટ્ટાબાજીની અરજી માટેનું માસ્ટર આઈડી (ભારતમાં પ્રતિબંધિત) મોટા બુકીઓ આરઆર ટોમી ઉંઝા અને બુટલેગરમાંથી બુકી બનેલા વિનોદ સિંધીની ગેંગ દ્વારા આપવામાં આવ્યું હતું, જેઓ દુબઈમાં બેઠા હતા. તેમની પાસે નેટવર્ક છે જે ગુજરાતના છેવાડાના ગામડાઓમાં ફેલાય છે.
માસ્ટર આઈડી અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ અને ઊંઝા, પાલનપુર અને ડીસા જેવા બુકીઓના હબમાં આપવામાં આવ્યા હતા. આ કેસમાં 16 લોકો સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.
ચેમ્પિયન્સ ટ્રોફીની દરેક મેચ પર ગુજરાતમાં કરોડોનો સટ્ટો લગાવવામાં આવી રહ્યો છે. દરેક મેચ પર સટ્ટામાં હારી ગયેલા પૈસાની ગણતરી કરવામાં આવે છે અને બીજા દિવસે ચોક્કસ આંગડિયા પેઢીને ટ્રાન્સફર કરવામાં આવે છે.