5 હજારની લાંચ લેતા પકડાયેલ રાજકોટ સેન્ટ્રલ જીએસટીના ઈન્સ્પેકટરની આવક-સંપત્તિની તપાસ
રાજકોટમાં સેન્ટ્રલ જીએસટીના ઈન્સ્પેકટર શ્રીરામ ભરતલાલ મીણાને રાજકોટ એસીબીએ રૂૂા.5,000ની લાંચ લેતાં તેની જ ચેમ્બરમાંથી રંગેહાથ ઝડપી લીધા હતા. જીએસટી નંબર મેળવવા માટે શ્રીરામ ભરતલાલ મીણાએ લાંચ માગી હતી.
જે અંગે એસીબીમાં ફરિયાદ કરવામાં આવતા એસીબીની ટીમે છટકું ગોઠવી શ્રીરામ ભરતલાલ મીણાને તેની ચેમ્બરમાં જ લાંચ લેતા ઝડપી લીધો હતો. હવે તેની આવક અને સંપત્તિ સહિતની બાબતોની તપાસ પણ કરવામાં આવશે.
રાજકોટમાં જીએસટીને લગતી સેવા આપવાનું કામ કરતા એક વ્યક્તિના ગ્રાહકને ખાનગી કંપની છે. જે માટે જીએસટી નંબર મેળવવાના હતા. જેથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.તે મંજૂર કરાવી આપવા માટે રાજકોટ જીએસટી કચેરી ખાતે જીએસટી વર્ગ-2ના જીએસટી ઇન્સ્પેક્ટર રામ ભરતલાલ મીનાએ ફરિયાદી પાસે રૂૂ.5000ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબી રાજકોટ એકમના ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલને ફરિયાદ કરી હતી. જેના આધારે પીઆઈ એમ.એમ. લાલીવાલે રેસકોર્સ રિંગ રોડ પર આવેલી સેન્ટ્રલ જીએસટીની કચેરીમાં ટ્રેપ ગોઠવી હતી.
નકકી થયા મુજબ આરોપીએ પોતાની ચેમ્બરમાં ફરિયાદી પાસેથી રૂૂા.5,000 ની લાંચ સ્વીકારતાં ટ્રેપમાં ગોઠવાયેલી એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો જીએસટી ઇન્સ્પેક્ટરને ઝડપ્યા બાદ એસીબી કચેરી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં અધિકારીની પૂછપરછ કરવામાં આવશે અને તેની આવક અને સંપત્તિ સહિતની બાબતોની તપાસ કરવામાં આવશે.