વઢવાણમાં પરિણીતાએ જુગાર રમવા રૂપિયા નહીં આપતાં જેઠે માર માર્યો
સુરેન્દ્રનગરના વઢવાણમાં ગણપતિ ફાટક નજીક રહેતી પરિણીતા પાસે જેઠે જુગાર રમવા રૂપિયા માંગ્યા હતાં. પરિણીતાએ રૂપિયા નહીં આપતાં જેઠે માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલ ગણપતિ ફાટક પાસે પુષ્પાબેન અજીતભાઈ પરમાર નામની 35 વર્ષની પરિણીતા સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે તેના જેઠ જેન્તી ભીખાભાઈ પરમારે ઝઘડો કરી લાદી વડે માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જેઠ જેન્તી પરમારે જુગાર રમવા રૂપિયા માગ્યા હતાં. પરતું પુષ્પાબેને રૂપિયા નહીં આપતાં જેઠે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત બીજા બનાવમાં અમરેલીના લાઠી ગામે આવેલા મહાવીરનગરમાં રહેતાં પ્રવિણ બાજુભાઈ ચારોલીયા (ઉ.25) રાત્રીના પોતાના ઘર પાસે હતો ત્યારે તેના કાકાના દીકરા દેવકુએ દારૂના નશામાં ઝઘડો કરી ધારીયા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.