ઉનામાં નગરસેવકે યુવક પર છરીથી હુમલો કર્યો, સોનાનો મોંઘો ચેઇન ગાયબ
ઉનામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નગરપાલિકાના વોર્ડ નંબર 9ના કાઉન્સિલર અને તેમના સાથીઓએ એક બાવાજી યુવક પર હુમલો કર્યો હતો. આ ઘટના દેલવાડા રોડ પર આવેલા વિધાનગર વિસ્તારમાં બની હતી. પોલીસ તપાસ મુજબ, યોગેશગિરી લક્ષ્મણગિરી ગૌસ્વામી (મૂળ ખાંભા ગામના વતની) હાલમાં ઉના કનકેશ્વરી મંદિર પાસે રહે છે. મોડી રાત્રે અઢી વાગ્યે તેઓ ત્રિકોણ બાગ પાસેથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. ટાવર ચોક વિસ્તારમાં બે અજાણ્યા શખ્સો બાઈક પર આવ્યા અને તેમને સાઈડમાં ચાલવા કહી નાસી છૂટ્યા.
યોગેશગિરીએ આ બંને શખ્સોની તપાસ કરતા તેમની બાઈક ધનરાજ હોટલ નીચે જોવા મળી. તેઓ હોટલના રૂૂમ નંબર 102માં હતા. આ દરમિયાન નગરપાલિકાના કાઉન્સિલર રાજેશગિરી ગોસ્વામી (દાડમ), તેમનો દીકરો, ભાઈ અને એક અજાણ્યા શખ્સે યોગેશગિરી પર હુમલો કર્યો. આરોપીઓએ યોગેશગિરીને બિભત્સ ગાળો આપી, માર માર્યો અને છરી વડે પીઠ પર ઘા કર્યો.
ઈજાગ્રસ્ત યોગેશગિરીને પ્રથમ ઉના સરકારી હોસ્પિટલમાં અને પછી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઘટના દરમિયાન યોગેશગિરીની ત્રણ તોલા સોનાની ચેન પણ ગુમ થઈ ગઈ. યોગેશ ગિરીએ કાઉન્સિલર રાજેશગિરી અને અન્ય ત્રણ શખ્સો વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે આરોપી કાઉન્સિલર રાજેશગિરી અગાઉ પણ તેમની જ્ઞાતિના એક પરિવાર પર હથિયારો સાથે હુમલો કરવાના વિડિયો વાયરલ થયા હતા અને તે અંગે ફરિયાદ પણ નોંધાઈ હતી.