કાળઝાળ ગરમીમાં એસ.ટી. ડેપોનું પાણીનું પરબ બંધ, મુસાફરો પરેશાન
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સભ્યો ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પટેલ નાગજીભાઈ વિરાણી, એસ.પી રાજાણી, જીગ્નેશભાઈ બોરડ, પૂર્વ ફોજી નટુભા ઝાલા, પટેલ ગીરીશભાઈ ઘરસંડીયા, જયંતીભાઈ હિરપરા ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ ના ઢેબર રોડ પર એસ.ટી બસ પોર્ટમાં 1200 થી વધુ બસોની અવર-જવર વચ્ચે હજારો મુસાફરો આવતા-જતાં રહે છે. ત્યારે રાજકોટના બસ પોર્ટના પ્લેટફોર્મ નંબર ચાર અને પાંચની વચ્ચે જે બસ ઉભી રહે છે તેની સામે જે પાણીનું પરબ છે તે હાલ શોભાના ગાંઠિયા જેવું બની ગયું છે. આ પાણીના પરબના ચાર નળ પૈકી એક પણ નળમાં પાંચેક દિવસથી પાણી આવતું નથી.
હાલ ઉનાળાની સિઝન ચાલુ થઈ ગયેલ છે 35 ડિગ્રી થી વધુ તાપ પડી રહ્યો છે તે સમયે જ પાણીના પરબમાં પાણી આવતું ન હોવાને પગલે સિનિયર સિટીઝન, મહિલાઓ અને બાળકોની હાલત કફોડી બની છે. અમારી જાણ મુજબ ટેન્ડરની શરતો મુજબ ઠંડુ પાણી પાવાની જવાબદારી કોન્ટ્રાક્ટરને બને છે અને પાણી ન આવતું હોય તો કોન્ટ્રાક્ટરનો કાન આમળવાની જવાબદારી ડેપો મેનેજરની બને છે. પરંતુ ડેપો મેનેજરને મુસાફરોને પડતી હાલાકી અંગે અધિકારીને લેશમાત્ર પરવા નથી જે પગલે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા ઉચ્ચ સ્તરીય રજૂઆતો કરી તંત્રને ઢંઢોળવામાં આવે છે.
પાણીનું પરબ બંધ હોવાની ફરિયાદ મળતા ગજેન્દ્રસિંહ ઝાલાએ એસટી બસ પોર્ટ પર જઈ ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ અને ટ્રાફિક કંટ્રોલ રૂૂબરૂૂ પરબના સ્થાને લઈ જઈ અને નળ ખુલ્લા કરી બતાવેલ કે પાણી કેમ આવતું નથી ? જો પાંચેક દિવસથી આ નળમાં પાણી ન આવતું હોય તો એ ગંભીર બાબત છે. બસ પોર્ટના સીસી ફૂટેજ મેળવી આ અંગે જવાબદાર ડેપો મેનેજર અને કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા જોઈએ અને દંડનીય કાર્યવાહી પણ થવી જોઈએ.
તંત્ર વાહકો પીવાનું પાણી આપવામાં જવાબદાર અધિકારીઓ નપાણીયા સાબિત થતા ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિને લેખિતમાં જણાવે તો પીવાનું પાણી આપવાની સામાજિક સંસ્થાઓને સાથે લઈ અમારી તૈયારી છે.