બાઇક ચોરીમા ઝડપાયેલ બે શખ્સોની પૂછપરછમાં 10 ચોરીના ભેદ ખુલ્યા
રાજકોટ, જેતપુર, જૂનાગઢ અને અમરેલી જિલ્લાની ચોરી કરનાર મધ્ય પ્રદેશની તસ્કર ટોળકીના બે સભ્યોની ધરપકડ અન્ય ત્રણની શોધખોળ:રૂ.88 હજારનો મુદ્દામાલ કબજે
રાજકોટ સહીત ત્રણ જીલ્લામાં આંતક મચાવનાર પરપ્રાંતીય ગેંગના સગીર સહિતના બે સભ્યોને રાજકોટ ક્રાઈમ બ્રાંચે ઝડપી રાજકોટ, જેતપુર, જુનાગઢ અને અમરેલી પંથકમાં થયેલી દસ ચોરીના ભેદ ઉકેલી નાખી 88,715 રૂૂપિયાનો મુદામાલ કબજે કર્યો છે. ટોળકીના અન્ય ત્રણ સભ્યોની ધરપકડ કરવા તપાસ શરુ કરી છે. આ ટોળકીના બે સભ્યો ચોરીના બાઈક સાથે નીકળ્યા ત્યારે ક્રાઈમ બ્રાંચે ઝડપી પડ્યા બાદ પુછપરછમાં 10 ચોરીના ભેદ ખુલ્યા છે.
રાજકોટ ક્રાઈમ બ્રાંચના ગોપાલભાઈ અને દીપકભાઈને મળેલી બાતમી આધારે તેમજ રાજકોટ શહેર તથા રાજકોટ ગ્રામ્યના નૈત્રમની મદદ ચોરી માં ઉપયોગ કરેલ હોન્ડા સાઇન મોટર સાયકલ સાથે મધ્યપ્રદેશના અલીરાજપુરના જોબટ તાલુકાના પૌયા ગામના કાયદાના સંઘર્ષમાં બાવેલ બાળ કિશોર- અને દિનેશભાઇ ભુવનસિંગ મુવેલ (ઉવ.21)ને શંકાસ્પદ રીતે ઝડપી લીધા બાદ મોટર સાયકલના નંબર ઇ-ગુજકોપ દ્રારા તેમજ પોકેટ મોબાઇલ દ્રારા સર્ચ કરતા તે મોટર સાયકલની ખરાઇ કરતા ચોરી થયેલાનું જાણવા મળતા બંનેની આગવીઢબે પૂછતાછ કરતા બંને ભાંગી પડયા હતા અને રાજકોટ,જૂનાગઢ તેમજ અમરેલીમાં 10 જેટલી ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. ચોરીમાં તેની સાથે એમપીના જ બળવંતસિંગ ગુલાબસિંગ બંધેલ, સુનીલ રવજીભાઈ મોહનીયા અને જીતેન શંકર મેહડા સંડોવાયેલ હોવાનું કબુલ્યું હતું. આ ટોળકીએ એક મહિના પૂર્વે રાજકોટની માધવ વાટિકા સોસાયટીમાં, તિરૂૂમાલા પાર્કમાં બંધ મકાનમાં, ભગવતીપરામાં ત્રણ મકાનના તાળા તોડી, તેમજ સુખસાગર સોસાયટીમાં મકાનના તાળા તોડી રોકડ-દાગીનાની ચોરી કર્યાની, નવ દિવસ પૂર્વે સાવરકુંડલામાં 3 મકાનોના તાળા તોડી ચોરી કર્યાની, ત્યારે જ એક બાઈકની ચોરી કર્યાની, જેતપુરમાં બે મકાનમાં ચોરી કર્યાની, જુનાગઢના વંથલીમાં બે મકાનમાં ચોરી કર્યાની અને જેતપુરના સમઢીયાળા ખાતે એક મકાનમાંથી તેમજ માધવ વાટિકા સોસાયટીમાંથી એક બાઈકની ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે રોકડા 44 હજાર, બાઈક, ચાંદીના દાગીના અને ચોરીમાં ઉપયોગમાં લીધેલ સાધન સહીત 88,715 રૂૂપિયાનો મુદામાલ કબજે કરી અન્ય ત્રણની શોધખોળ શરુ કરી છે.
આ ટોળકી ચોરી કરતા પૂર્વે વતનથી ગુજરાતમાં કોઇ પણ શહેર નક્કી કરી ત્યાં પહોચી પ્રથમ બાઈકની ચોરી કરતા અને તે પછી ગામ કે સોસાયટીમાં બંધ મકાનના તાળા તોડી ચોરી કરી આજુબાજુમાં રહેતા વતનના સંબંધીઓના ઘરે રોકાઈ જતા હતા અને બાઈક રેઢું ગમે ત્યાં મૂકી દેતાહોવાની કબૂલાત આપી હતી.પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા,ડીસીપી (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી (ક્રાઇમ) ભરત. બી. બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચના પી.આઈ એમ.આર.ગોંડલીયા,પી.આઈ એમ.એલ.ડામોર સાથે પીએસઆઈ એ.એન.પરમાર, એ.એસ.ગરચર, વી.ડી.ડોડીયા, એમ.કે.મોવલીયા તથા જલદિપસિંહ વાઘેલા, હરદેવસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ઝાલા,કૃષ્ણદેવસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા રાજેશભાઇ જળુ, વિજયરાજસિંહ જાડેજા, દિપકભાઇ ચૌહાણ, સંજયભાઇ રૂૂપાપરા, મહાવીરસિંહ ચુડાસમાં, ગોપાલભાઇ પાટીલ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.