રાણાકંડોરણામાં બાળકના ગળે છરી મુકી, સાસુ-વહુને બાંધી કબાટમાંથી 25 તોલા સોનુ, રૂા.એક લાખની લૂંટ
ગઇકાલે ધોળા દિવસે કારમાં આવેલા છ શખ્સો લૂંટ કરી પલાયન
રાણાવાવના રાણા કંડોરણા મુંજાપરા ધાર વિસ્તારમાં બપોરના સમયે 6 શખ્સ કારમાં આવ્યા હતા અને એક ઘરમાં ઘૂસીને બાળકના ગળે છરી રાખી, વૃધ્ધા અને તેની પુત્રવધૂને પટ્ટીથી બાંધી દીધા હતા, અને કબાટની ચાવી મેળવી કબાટમાં રહેલા 25 તોલા દાગીના અને રૂૂ. 1 લાખની લૂંટ ચલાવી વૃધ્ધાને છરી મારી હતી અને વૃધ્ધાના પુત્રવધૂને મૂઢ માર મારી નાશી છૂટ્યા હતા, રાણા કંડોરણા ગામે મુંજાપરા ધારમાં રહેતા કરશનભાઈ દેવાનંદ નંદાણિયા બપોરના સમયે ખેતરમાં કામ કરવા ગયા હતા.
બપોરના આશરે અઢી વાગ્યાના અરસામાં ઘરે કરશનભાઈ ના માતા પમીબેન અને તેની પુત્રવધુ તથા નાનો છોકરો ઘરે હતો ત્યારે એકાએક એક કારમાં 6 શખ્સ આવ્યા હતા અને આ શખ્સોએ ઘરમાં ઘૂસીને છોકરાના ગળે છરી રાખી દીધી હતી તેમજ અન્ય શખ્સોએ વૃધ્ધા પમીબેન અને તેના પુત્રવધૂને પટ્ટીથી બાંધી દીધા હતા અને કબાટની ચાવી મેળવી કબાટ ખોલી કબાટમાં રહેલા સોનાના દાગીના અંદાજે 25 તોલા સોનાના દાગીના તેમજ કબાટમાં રહેલ રૂૂ. 1 લાખ રોકડની લૂંટ ચલાવી હતી અને વૃધ્ધા પમીબેનને હાથના ભાગે છરી મારી હતી તેમજ વૃધ્ધાના પુત્રવધૂને પણ મૂઢ માર મારી શખ્સો કારમાં નાશી ગયા હતા. આ અંગે કરશનભાઈ ને જાણ કરતા તેઓ તાબડતોબ ઘરે આવ્યા હતા અને તાકીદે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. કરશનભાઈ દેવાનંદ નંદાણિયાએ ફરિયાદ નોંધાવી છે.