રાજકોટમાં જૂના ઝઘડાનો ખાર રાખી મધરાત્રે યુવાન પર હુમલો, મોબાઈલ-સોનાના ચેઈનની લૂંટ
કાકા ઘરે જતા હતા ત્યારે આરોપીએ વાહન અથડાવી બોલાચાલી કરી : ઝધડામાં વચ્ચે પડેલા ભત્રીજા પર હુમલો કરી પગ ભાંગી નાખ્યા
રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી જાહેરમાં મારામારીના બનાવો વધવા પામ્યા છે. તેમજ ઘણીવાર મારામારીના બનાવો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. ત્યારે શહેરના આજીડેમ વિસ્તારમાં આવેલા માનસરોવર પાર્ક નજીક યુવાન તેમના કૌટુંબીક બહેનને લઈ ઘરે જતો હતો ત્યારે રસ્તામાં આવારા તત્વોએ મસ્કરી કરી યુવાનના કાકાની બાઈક સાથે અકસ્માત સર્જયો હતો અને જેને લઈ બન્ને પક્ષે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ યુવાન ઘરે બહેનને મુકી પરત ફરતો હતો ત્યારે અગાઉથી જ આરોપીએ તેમના સાગરીતો સાથે મળી ધોકા-પાઈપ વડે યુવાન પર હુમલો કરી મોબાઈલ અને સોનાના ચેઈનની લુંટ કરી હતી. આ બનાવને પગલે યુવાનના બન્ને પગ ભાંગી જતાં તેમને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. તેમજ હોસ્પિટલ ચોકીનાસ્ટાફે બનાવની જાણ આજીડેમ પોલીસને કરતા પોલીસે યુવાનની ફરિયાદ પરથી આરોપીઓ સામે ગુનો નોંધવાતજવીજ શરૂ કરી છે.
બનાવની વધુ વિગતો મુજબ ચુનારાવાડ ચોક પાસે શિવાજીનગર 20 માં રહેતો ધવલ વલ્લભભાઈ ઓળકિયા (કોળી)નામનો 36 વર્ષીય યુવાન ગઈ કાલે રાત્રીના 11 વાગ્યે પોતાનું બાઈક લઈ માનસરોવર પાર્કથી ચૂનારાવારડ ચોક તરફ જતો હતો. ત્યારે માજોઠી નગર પેટ્રોલપંપનીસામે આજીડેમ તરફ જવાના રસ્તે અજાણ્યા 10 જેટલા શખ્સોએ ધોકા-પાઈપ વડે બેફામ માર મારતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એન્ટ્રી નોંધી આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે પહોંચી ધવલનું નિવેદન લેવા તજવીજ શરૂ કરી છે. આ બનાવ અંગે ધવલના કૌટુંબીક ઉમેશભાઈએ આક્ષેપો સાથે જણાવ્યું હતુ ંકે, ધવલ ફર્નિચર બનાવવાનું કામ કરે છે તેમજ ગઈકાલે સાંજના સમયે તેમના કાકા અને તેમની પુત્રી આજીડેમ પાસે માનસરોવર પાર્કમાં રહેતા હોય ત્યારે ઘરે જતા હતા ત્યારે આરોપીઓએ વાહન અથડાવી માથાકુટ કરીહતી. ત્યારે કોઈએ ફોન કરતા ધવલભાઈ અને ઉમેશભાઈ તેમને બચાવવા ત્યાં ગયા હતાં. અને ત્યાર બાદ ધવલભાઈ તેમના કાકા અને પિતરાઈ બહેનને ઘરે મુકવા ગયા હતાં.
ત્યાર બાદ ધવલભાઈ રાત્રીના સમયે તેમના કાકાના માનસરોવર પાર્કમાં આવેલા ઘરેથી પોતાનું બુલેટ લઈ પરત ફરતા હતા ત્યારે આરોપીઓએ સમાન ઈરાદો પાર પાડવા હથિયારો લઈ ધવલનો પીછો કરી તેના પર ધોકા-પાઈપ વડે હુમલો કર્યો હતો અને ધવલ ભાગવા જતાં તેને અટકાવી તેમના બુલેટની ચાવી અને તેમની પાસેથી મોબાઈલ તેમજ એક સોનાનો ચેઈન લુંટી લીધો હતો. ત્યાર બાદ ધવલને 108 મારફતે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો. અને ત્યારે તેમણે જણાવ્યું હતું કે, રાત્રે તેમના કાકા સાથે માથાકુટ કરનાર આરોપીઓએ ઝઘડાનો ખાર રાખી હુમલો કર્યો હતો. તબીબી તપાસમાં ધવલના બન્ને પગે ફ્રેક્ચર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે આજીડેમ પોલીસ મથકના સ્ટાફે ધવલનું નિવેદન નોંધી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવાતજવીજ શરૂ કરી છે.