નહેરૂનગરમાં છેડતીના મામલે મારામારી બાદ હોસ્પિટલમાં ધબાધબી
નાનામવા પાસે પાડોશીઓ વચ્ચે મારામારીમાં ઘવાયેલા માતા-બે પુત્રોને સારવાર માટે ખસેડાયા, હુમલાખોર પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે આવતા મહિલાના પરિવારજનોએ ઢીબી નાખ્યો
શહેરના નાનામૌવા રોડ પર આવેલા નહેરુ નગરમાં છેડતી બાબતે બે પાડોશીઓ વચ્ચે મારમારી થઈ હતી. જેમાં સ્વીગીમાં ડિલેવરીબોય તરીકે કામ કરતા શખ્સે છરી વડે મહિલા અને તેના બે પુત્રો ઉપર હુમલો કર્યો હતો. અને સામે હુમલામાં સ્વીગીબોય પણ ઘાયલ થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત મહિલા અને તેના બે પુત્રોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. થોડીવાર બાદ હુમલાખોર સ્વીગીબોય પણ સીવીલે સારવાર અર્થે આવ્યો ત્યારે ઈજાગ્રસ્ત મહિલાના પરિવારજનોએ હોસ્પિટલમાં જ સ્વીગી બોય ઉપર સરાજાહેર હુમલો કરી દીધો હતો. મારામારીની આ ઘટનામાં સિવિલ હોસ્પિટલમાં થોડીવાર માટે નાશભાગ મચી ગઈ હતી. જો કે, ત્યાં હાજર એસઆરપી પોલીસ સ્ટાફ અને નિવૃત આર્મીમેનની ટીમે મામલો સંભાળી લીધો હતો. આ સમગ્ર ઘટનાથી ભારે ચર્ચા જાગી છે.
મળથી વિગતો મુજબ શહેરના નાનામૌવા રોડ પર મારવાડી બિલ્ડીંગ પાસે નહેરુનગર શેરી નં. 5 માં રહેતા ચેતનાબેન બહાદૂરસિંહ દેવડા ઉ.વ.45ની તેના પાડોશમાં રહેતા અને સ્વીગીમાં ડિલેવરીબોય તરીકે કામ કરતા પરેશ રઘુદાસ દાણીધારિયા નામના બાવાજી શખ્સે છેડતી કરતા ઝઘડો થયો હતો. જેમાં ચેતનાબેનના પુત્ર ડ્રાઈવીંગનું કામ કરતા ભાવિન બહાદૂરસિંહ દેવડા ઉ.વ.25 અને નાનો પુત્ર નિરજ બહાદૂરસિંહ દેવડા ત્યાં આવતા ઝઘડો ઉગ્ર બન્યો હતો. અને પરેશે પોતાની પાસે રહેલી છરી વડે હુમલો કરતા ચેતનાબેન તથા બન્ને પુત્રો ભાવિન અને નિરજને ઈજા થઈ હતી. સામાપક્ષે ભાવિન અને નિરજે પણ પરેશ ઉપર હુમલો કર્યો હતો.
ઈજાગ્રસ્ત ચેતનાબેન અને બન્ને પુત્ર ભાવિન અને નિરજને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અને તેમની સારવાર ચાલુ હતી ત્યારે થોડી વારમાં સ્વીગીબોય પરેશ પણ ત્યાં સારવાર માટે પહોંચ્યો હતો. તે વખતે ચેતનાબેન અને તેમના પરિવારજનો ત્યાં હાજર હોય પરેશ સીવીલ હોસ્પિટલે આવતા જ તેના ઉપર તુટી પડ્યા હતાં અને સરાજાહેર પરેશને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના વખતે હોસ્પિટલમાં હાજર લોકોમાં થોડી વાર માટે નાશભાગ મચી ગઈ હતી. બનાવ વખતે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના રામશીભાઈ વરુ અને તૌફીકભાઈ તેમજ સિક્યોરીટીની ફરજ પર રહેલા નિવૃત આર્મીમેન અને એસઆરપીએ તાત્કાલીક જઈ મામલો થાળે પાડી પરેશને ત્યાથી છોડાવી આ બાબતે પોલીસને જાણ કરતા પ્રનગર પોલીસ હોસ્પિટલે દોડી આવી હતી. આ ઘટનામાં બન્ને પક્ષોએ સામાસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સ્વીગીના થેલામાં છરી સાથે પરેશ સિવિલ હોસ્પિટલે પહોંચ્યો’ તો
નાનામૌવા પાસે નહેરુનગરમાં બનેલા મારામારીના બનાવમાં ચેતનાબેન બહાદૂરસિંહ દેવડા, ભાવિન બહાદૂરસિંહ દેવડા અને નિરજ બહાદૂરસિંહ દેડવા ઘાયલ થયા હોય સ્વીગીમાં કામ કરતા પરેશ રઘુદાસ દાણીધારિયાએ કરેલા હુમલામાં માતા અને બન્ને પુત્રો બન્ને હોસ્પિટલે સારવાર માટે ગયા બાદ વળતા હુમલામાં પરેશ પણ ઘાયલ થયો હોય તે પોતાના સ્વીગીના બેગમાં છરી સાથે હોસ્પિટલે સારવાર માટે આવ્યો હતો. ત્યારે ચેતનાબેનના પરિવારજનોએ તેને માર માર્યો હતો. તે વખતે પરેશે રાખેલી છરી પણ મળી આવી હોય આ બાબતે પોલીસે સ્વીગીના બેગમાંથી છરી કબ્જે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.