કોર્ટ કેસમાં ભરણપોષણમાં થયેલો ખર્ચ આપી દે કહી પરિણીતાને સાસરિયાનો ત્રાસ
ભુજમાં અંજલીનગરમાં માતા-પિતા સાથે રહેતી હિરલ સુશીલ સોલંકી (ઉ.ર7) એ રાજકોટ ગાંધીગ્રામ પોલીસ મથકમાં એરપોર્ટ રોડ પર અમરજીતનગર શેરી નં. ર માં રહેતા પતિ સુશીલ સોલંકી, સસરા ચમનભાઇ મેઘજીભાઇ સોલંકી, સાસુ કેસરબેન ઉર્ફે કેસીબેન સોલંકી, જેઠ કેતન સોલંકી, જેઠાણી નીતા સોલંકી અને નણંદ પુનમ સામે ફરિયાદ નોંધાવી છે.
હિરલે ફરિયાદમાં જણાવ્યું છે કે,પોતાના ગત તા. રર-4-ર016 ના રોજ સુશીલ ચમનભાઇ સોલંકી સાથે થયા હતાં.લગ્ન બાદ પતિ, સાસુ, સસરા, જેઠ-જેઠાણી અને નણંદ મેણા-ટોણા મારી શારીરિક માનસીક ત્રાસ આપતા પોતે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવા જતાં ત્યાં પોતાના માસા દિનેશભાઇ આવી જતા તે પોતાને તેના ઘરે લઇ ગયા હતાં.પોતાના માતા-પિતા ભુજ રહેતા હોઇ તે બંને માસાના ઘરે આવી પોતાને ભુજ ખાતે લઇ ગયા હતાં. બાદ ત્યાં જી. કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી હતી.
ત્યારબાદ પોતે ભુજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.તેથી આ કેસ સાત વર્ષ સુધી ચાલ્યો હતો. બાદ પતિને ભરણ પોષણની રકમ ભરવી ન પડે તે માટે તા. 13-3 ના રોજ સમાધાન કરી બધા કેસો પાછા ખેચી લીધા હતાં. અને તા. 6-6 ના રોજ તમામ કેસોનો નિકાલ થઇ ગયો હતો.તા.13-3 ના રોજ સમાધાન થઇ જતા પોતે રાજકોટ પતિ સાથે રહેવા ચાલી ગયા હતાં અને પતિ સાથે લોધીકાના પાળ ગામમાં ભાડે રહેતા ત્યાં માત્ર સુવા માટે જતા હતાં અને આખો દિવસ અમરજીતનગરમાં સાસુ, સસરા, જેઠ, જેઠાણી સાથે રહેતી હતી.
ત્યારે પણ સાસરિયાઓ નાનીનાની બાબતે મેણાટોણા મારી કહેતા કે તે જે કેસ કર્યા તેમાં અમારે જે ખર્ચો થયો છે અને સુશીલે જે તને ભરણ પોષણ આપ્યું છે તે તારા મમ્મી-પપ્પાને કહે કે પાછૂ આપી દે તો જ તને મારા ઘરમાં રાખીશ નહીતર તને જાનથી મારી નાખીશ તેમ સાસુ-સસરાએ કહયું હતું.બાદ ગત તા. ર6-7 ના રોજ પોતાને દશામાના ઉપવાસ કરવા માટે ભુજ માવતરે મોકલ્યા બાદ પતિએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.બાદ પોતે તા.ર1-8 ના રોજ રાજકોટ સાસરીયે આવતા સાસુ-સસરાએ પોતાને મારમારી સાસુએ પોતાનું સોનાનું મંગલ સૂત્ર લઇ લીધા બાદ પોતાનો પહેરેલ, કપડે કાઢી મુકતા પોતે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ. કે. પી. સાગરે તપાસ હાથ ધરી છે.